કારોબારી, બાંધકામ, શિક્ષણ, આરોગ્ય સહિત વિવિધ સમિતિઓના ચેરમેનોની જાહેરાત; વિકાસલક્ષી કામગીરીને વધુ વેગ મળવાની અપેક્ષા
વાવ-થરાદ જિલ્લા પંચાયતની વિવિધ સ્થાયી સમિતિઓના ચેરમેનોની વરણી કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના વહીવટી અને વિકાસલક્ષી કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે કુલ આઠ સમિતિઓના નવા ચેરમેનોની નિમણૂક જાહેર કરવામાં આવી છે. નવી વરણી બાદ વિવિધ સમિતિઓ હવે પોતાના કાર્યક્ષેત્રમાં વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ અને વહીવટી કામગીરીને વધુ ગતિ આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાહેર કરાયેલી વરણી મુજબ કારોબારી સમિતિના ચેરમેન તરીકે મડાલ બેઠકના ધુખાજી નારણજી ઠાકોર, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે માડકા બેઠકના શારદાબેન અમીરામભાઈ આસલ, શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે મોરથલ બેઠકના મુકેશકુમાર મદનલાલ ચૌધરી તથા આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે ભોરોલ બેઠકના જોગાજી વાણાજી ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન તરીકે કોતરવાડા બેઠકના જમનાબેન અભેસિંહ ચૌહાણ, સિંચાઈ, ઉત્પાદન અને સહકાર સમિતિના ચેરમેન તરીકે નારોલી બેઠકના જગસીભાઈ લખમણભાઈ ચૌધરી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે દૈયપ બેઠકના હીરાબેન પથુભાઈ ચૌહાણ તેમજ અપીલ સમિતિના ચેરમેન તરીકે મલુપુર બેઠકના રત્નીબેન હરચંદભાઈ પરમારની વરણી કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની નવી રચના બાદ વિકાસલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ, લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ તેમજ વિવિધ વિભાગોની કામગીરીમાં વધુ સુમેળ સર્જાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવી જવાબદારી સંભાળનાર તમામ ચેરમેનોને વિવિધ આગેવાનો અને કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી હતી.





