વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં 9000 રન બનાવનાર ચોથો ભારતીય
વિરાટ કોહલી જ્યારે પણ મેદાન પર આવે છે ત્યારે કંઈક ને કંઈક એવું બને છે જે ચાહકોનું દિલ જીતી લે છે. આ વખતે કિંગ કોહલીએ બેંગલુરુ ટેસ્ટની બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી છે અને આ સાથે તેણે ટેસ્ટમાં 9000 રન પણ પૂરા કરી લીધા છે. વિરાટ કોહલીએ 197 ટેસ્ટ ઈનિંગ્સમાં 9000 રન પૂરા કર્યા. વિરાટ કોહલીના 9000 ટેસ્ટ રન ખાસ છે, પરંતુ બેંગ્લોર ટેસ્ટમાં આ ખેલાડીની અડધી સદી પણ ખાસ છે. કારણ કે ટીમ ઈન્ડિયા બેંગલુરુમાં મુશ્કેલીમાં છે અને આ જ ક્ષણે વિરાટે અડધી સદી ફટકારી છે.
વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં 9000 રન બનાવનાર ચોથો ભારતીય છે. રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કર આ કારનામું કરી ચૂક્યા છે. જો કે, આ મહાન ખેલાડીઓમાં વિરાટ કોહલીએ સૌથી વધુ ઈનિંગ્સ રમીને 9000નો આંકડો સ્પર્શ કર્યો છે. દ્રવિડે 176 ઈનિંગ્સમાં 9000 ટેસ્ટ રન પૂરા કર્યા હતા. સચિને 179 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. ગાવસ્કરે 9000 ટેસ્ટ રન પૂરા કરવા માટે 192 ઈનિંગ્સ અને વિરાટે 197 ઈનિંગ્સ લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ઈનિંગ્સમાં 9000 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ કુમાર સંગાકારાના નામે છે. તેણે 172 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. સ્ટીવ સ્મિથે 174 ઈનિંગ્સમાં 9000 ટેસ્ટ રન પૂરા કર્યા હતા. આ મામલે રાહુલ દ્રવિડ ત્રીજા સ્થાને છે.