ટોમ મૂડીએ ભારતીય ટીમના મુખ્ય કોચ બનવામાં રસ દાખવ્યો

Sports
Sports

ભારતીય ક્રિકેટ ટીમ આ મહિને યુનાઇટેડ આરબ અમિરાતમાં ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં રમવાની છે. જેમાં ટીમના કોચ તરીકે રવિ શાસ્ત્રીના સફળ કાર્યકાળનો આ સાથે અંત આવવાનો છે. ત્યારે તેમની ખાલી પડનારી જગ્યા માટે ઘણા નામાંકિત કોચે રસ દાખવ્યો છે અને તેમા ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને જાણીતા કોચ ટોમ મૂડીનો પણ સમાવેશ થાય છે. આ પદ માટે ટોમ મૂડી અરજી કરે તેવી સંભાવના છે. ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા અને વિવિધ ટીમના વિદેશી કોચ રહી ચૂકેલા ટોમ મૂડી આ સ્થાન માટે દાવેદારી રજૂ કરવાના છે. 56 વર્ષીય ટોમ મૂડી હાલમાં આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કોચ છે અને સાથે સાથે શ્રીલંકન બોર્ડના ક્રિકેટ ડાયરેક્ટર પણ છે. તેમણે આ અગાઉ ત્રણ વખત ભારતીય ટીમના કોચ પદ માટે અરજી કરી હતી. પરંતુ એકેયમાં તેમને ધ્યાનમાં લેવાયા ન હતા. તેમણે વર્ષ 2017 અને 2019માં કોચ તરીકે અરજી કરી હતી. જોકે એ વખતે રવિ શાસ્ત્રીની પસંદગી થઈ હતી. રવિ શાસ્ત્રીનો કોચ તરીકેનો કાર્યકાળ ટી-20 વર્લ્ડ કપની સાથે જ પૂરો થાય છે. રવિ શાસ્ત્રીએ સ્પષ્ટતા કરી દીધી છે કે તેઓ આ કામગીરી આગળ ધપાવવા માગતા નથી. આમ બીસીસીઆઈએ નવેમ્બર બાદ નવા કોચની વરણી કરવાની રહેશે. ટોમ મૂડી વર્ષ 2013 થી 2019ના સાત વર્ષના ગાળા માટે સનરાઇઝર્સ હૈદરાબાદના કોચ હતા. આ દરમિયાન વર્ષ 2016માં હૈદરાબાદની ટીમે આઇપીએલનું ટાઇટલ જીત્યું હતું. એ વખતે ઓસ્ટ્રેલિયાનો જ તેનો ભૂતપૂર્વ સાથી ખેલાડી ડેવિડ વોર્નર હૈદરાબાદનો કેપ્ટન હતો. ત્યારબાદ 2020માં હૈદરાબાદે ઓસ્ટ્રેલિયાના જ ટ્રેવર બાઇલિસને કોચ બનાવીને મૂડીને ડાયરેક્ટર બનાવ્યા હતા. જોકે આ સિઝનમાં હૈદરાબાદની ટીમ આઇપીએલમાં છેલ્લા ક્રમે રહી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.