આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ક્વોલિફાયર-ટુ મેચ રમાશે

Sports
Sports

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનની ક્વોલિફાયર – ટુમાં દિલ્હી કેપિટલ્સનો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થશે. ચેન્નાઈ સામે ક્વોલિફાયર-1માં મળેલી હાર બાદ દિલ્હીની ટીમ વળતો પ્રહાર કરતાં ફાઈનલમાં સ્થાન મેળવવા પ્રયાસ કરશે. જ્યારે બેંગ્લોર ટીમ સામે રોમાંચક જીત હાંસલ કર્યા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ વધુ એક અપસેટ સર્જવા ઉતરશે. ત્યારે શારજાહમાં ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30થી મેચનો પ્રારંભ થશે. રિષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સની ટીમ ગ્રૂપ સ્ટેજના અંતે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી હતી. સમગ્ર સિઝન દરમિયાન પ્રભાવશાળી દેખાવ કરનારી દિલ્હીની ટીમ છેલ્લી બે મેચમાં હારી ચૂકી છે. જેમના માટે આવતીકાલનો મુકાબલો કરો યા મરોનો બની રહેશે. દિલ્હીને આઇપીએલના ઈતિહાસમાં સળંગ બીજા વર્ષે ફાઈનલમાં પ્રવેશવાની આશા છે. આમ મોર્ગનના માર્ગદર્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે આઇપીએલના આખરી તબક્કામાં જીત હાંસલ કરી છે. વિજયની હેટ્રિક સર્જનારી કોલકાતાની ટીમ બેંગ્લોર બાદ દિલ્હીને આંચકો આપવાની તૈયારી કરી રહી છે. કોલકાતા બે વખત આઇપીએલ ટાઈટલ જીતી ચૂકી છે અને તેઓ ત્રીજી વખત ટ્રોફી જીતવા માટે ઉત્સુક છે. બેંગ્લોર સામેની મેચમાં ઓલરાઉન્ડર સુનિલ નારાયણે દેખાડેલા ફોર્મને કારણે ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. દિલ્હી કેપિટલ્સની સફળતાનો આધાર તેની મજબૂત બેટિંગ લાઈનઅપ પર છે. ચેન્નાઈ સામેની મેચમાં પૃથ્વી શો,કેપ્ટન રિષભ પંત અને હેતમાયર સિવાયના બેટ્સમેનો પ્રભાવ પાડી શક્યા નહતા. શિખર ધવન અને શ્રેયસ ઐયર જેવા બેટ્સમેનોએ ખરાખરીના મુકાબલામાં ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવવી પડશે. હેતમાયરે પણ તેની ઝંઝાવાતી બેટિંગનો જાદુ ચલાવવો પડશે. ચેન્નાઈ સામેના પર્ફોમન્સ બાદ પંત અને કોચ પોન્ટિંગ ટીમની બેટીંગ મજબૂત બનાવવા માટે સ્મિથને ટીમમાં સમાવે તેવી શક્યતા છે. કોલકાતા પાસે નારાયણ,શાકિબ તેમજ ચક્રવર્થી જેવા અસરકારક સ્પિનરો છે. તેની સાથે સાથે ફર્ગ્યુસન અને માવી જેવા ફાસ્ટરો છે. જેની સામે દિલ્હીએ પર્ફોમન્સ કરવું પડશે. કોલકાતા નાઈટ રાઈડર્સની બેટિંગનો મદાર ભારતના યુવા ડોમેસ્ટિક સ્ટાર્સ પર છે. ઓપનર શુબ્મન ગિલની સાથે વેંકટેશ ઐયર,રાહુલ ત્રિપાઠી અને નિતિશ રાણાએ ટીમની સફળતામાં નોંધપાત્ર ભાગ ભજવ્યો છે. ઐયરે ચાલુ સિઝનમાં આક્રમક બેટીંગ પર્ફોમન્સ વડે ક્રિકેટ જગતના દિગ્ગજોનું ધ્યાન ખેંચ્યું છે. કેપ્ટન મોર્ગનની સાથે ઓલરાઉન્ડર સુનિલ નારાયણ અને શાકિબ ટીમને સંતુલન પુરુ પાડે છે. દિલ્હીની બોલિંગનો મદાર રબાડા,નોર્ટજે,આવેશ ખાન તેમજ અક્ષર પટેલ અને અશ્વિન પર રહેલો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.