
313 રન બનાવીને નેધરલેન્ડ્સને અપાવી વર્લ્ડ કપની ટિકીટ, MS ધોની સાથે છે આ ખેલાડીનું ખાસ કનેક્શન
વનડે વર્લ્ડ કપ 2023ની છેલ્લી એટલે કે 10મી ટીમ પર મોહર લાગી ગઈ છે. આ છેલ્લાં સ્થાન માટે નેધરલેન્ડ્સ ટીમને કવોલિફાય કરવામાં આવી છે. સ્કોટલેન્ડને હરાવીને નેધરલેન્ડ્સે આ સ્થાન હાંસલ કર્યું છે. 5 મી વખત નેધરલેન્ડ્સની ટીમ વનડે વર્લ્ડ કપમાં રમતી જોવા મળશે. આ સફળતામાં નેધરલેન્ડની પૂરી ટીમનું યોગદાન રહ્યું છે અને આ ટીમનો એક ખેલાડી એવો છે જેનું એમએસ ધોની સાથે ખાસ કનેક્શન છે.
એમ.એસ ધોની સાથે ખાસ કનેકશન રાખનાર ખેલાડીનું નામ વિક્રમજીત સિંહ છે. વિક્રમજીત સિંહ ભારતીય મૂળના છે. તેનો જન્મ પણ ભારતમાં પંજાબમાં થયો હતો. પરંતુ જો તમે વિચારી રહ્યા હોવ કે આ કારણથી તેમનું ધોની સાથે ખાસ કનેક્શન છે, તો તમે બિલકુલ ખોટા છો.
હકીકતમાં, ધોનીથી ખાસ કનેક્શનનુ કારણ એમની જર્સી છે. બન્નેની જર્સીનો નંબર 7 છે. આઈસીસીએ હાલમાં જ વિક્રમજીતનો વીડિયો શેર કર્યો છે, જેમાં વિક્રમજીત પોતાની જર્સી પાછળની કહાની જણાવતા તેને ધોની સાથે કનેકટ કરતાં જોવા મળે છે. વિક્રમજીતે જણાવ્યું કે 7 નંબરની જર્સીનાં કારણે મને સોશિયલ મીડિયામાં બહુ કોમેન્ટ્સ આવે છે. આ કોમેન્ટ્સમાં લોકો કહે છે કે 7 નંબરની જર્સી એમએસ ધોનીની છે. સાચું કહું તો મારો મનપસંદ જર્સી નંબર 10 હતો. પરંતુ આ 10 નંબર બીજા ખેલાડીને મળ્યાં પછી મને 7 નંબરની જર્સી મળી.
વિક્રમજીત સિંહ નેધરલેન્ડ્સ માટે ઓપનિંગ કરે છે. વનડે વર્લ્ડ કપ ૨૦૨૩માં કવોલીફાયારમાં ઓપનિંગ કરતાં તેણે 7 મેચોમાં 313 રન બનાવ્યાં હતાં, જેમાં એક સદી ફટકારી હતી. આ સદી તેણે ઓમાન સામે ફટકારી હતી. જેમાં 110 રન બનાવ્યાં હતાં. હવે પ્રશ્ન એ છે કે ધોનીની જર્સીનો નંબર 7 કેમ હતો? તો એનાં પાછળનું કારણ તેની જન્મ તારીખ છે. તેની જન્મ તારીખ 7 જુલાઈ 1981 છે.