ભારત માટે આસાન નથી સેમી ફાઇનલની સફર

Sports
Sports

નવી દિલ્હી, WORLD CUP ૨૦૨૩ જીતવા માટે ભારતીય ક્રિકેટ ટીમને હોટ ફેવરિટ માનવામાં આવે છે. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં સતત પાંચ મેચ જીતી છે. રવિવારે ન્યૂઝીલેન્ડ સામેની જોરદાર જીત બાદ ટીમ ઈન્ડિયા ૧૦ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી કોઈ ટીમ ભારતને હરાવી શકી નથી. તેથી ભારતીય ટીમને આ વર્લ્ડ કપ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. હાલની સ્થિતિ એવી છે કે ભારતીય ટીમ સરળતાથી નોકઆઉટ રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ જશે એવું લાગે છે. ભારતીય ક્રિકેટ ચાહકો પણ માની રહ્યા છે કે હવે તો ભારત સાવ આસાનીથી સેમીફાઈનલમાં પહોંચી જશે.

ભારતે ઘણી સારી લીડ લીધી હોવા છતાં ભારત માટે વધુ પડકારજનક મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. ગત વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમ સારા ફોર્મમાં હતી.પરંતુ સેમિફાઇનલમાં મળેલી હારથી ભારતીય ટીમનું વર્લ્ડ કપનું સપનું અધૂરું રહી ગયું હતું. આ વખતે પણ ટીમ ઈન્ડિયા માટે સેમિફાઈનલમાં ક્વોલિફાઈ થવાનો રસ્તો આસાન નહીં હોય. ટૂર્નામેન્ટની પ્રથમ ૫ મેચ જીત્યા બાદ પણ ટીમ ઈન્ડિયા સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ શકે છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ભારતને ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બનાવવાનું સપનું ધૂંધળું થઈ શકે છે. કારણ કે હવે ટીમ ઈન્ડિયાનો સામનો ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા સામે છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવી મજબૂત ટીમોને હરાવનાર ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા ભારત માટે આગામી પડકાર છે.

ભારતની આગામી મેચ ૨૯ ઓક્ટોબરે લખનૌના એકના સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે થશે. ઈંગ્લેન્ડ સામેની મેચ ભારત માટે પડકારરૂપ છે. કારણ કે ગત વર્ષે ઓસ્ટ્રેલિયામાં આયોજિત T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે જ ભારતને સેમીફાઈનલમાંથી બહાર કરી દીધું હતું. ઈંગ્લેન્ડની ટીમ ઓલરાઉન્ડર્સથી ભરેલી છે અને તેને આસાનીથી હરાવી શકાય એમ નથી. તેઓ ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ પણ છે એ વાત ભૂલવી ન જોઈએ. ભારતીય ટીમે આ મેચમાં સાવધાન રહેવું પડશે.ઈંગ્લેન્ડ પછી ભારતની આગામી મેચ શ્રીલંકા સામે ૨ નવેમ્બરે રમાશે. છેલ્લા કેટલાક વર્ષોમાં શ્રીલંકા સામે ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

પરંતુ ૨૦૦૭ના વર્લ્ડ કપમાં શ્રીલંકાએ વર્લ્ડકપમાં ભારતીય ટીમની સફરનો અંત આણ્યો હતો. શ્રીલંકા બાદ ભારત ૫ નવેમ્બરે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો અને બોલરો જે રીતે રમી રહ્યા છે તે જોતાં આ ટીમ ભારત માટે માથાનો દુખાવો બની શકે છે. તેથી, ટીમ ઈન્ડિયાનો ઈડન ગાર્ડન ખાતે સાઉથ આફ્રિકા સામે મુકાબલો જોવા જેવો રહેશે. ત્યાર બાદ ભારત તેની છેલ્લી મેચ નેધરલેન્ડ સામે રમશે. સેમિફાઇનલમાં પ્રથમ સ્થાન મેળવવા માટે ભારતને ચારેય મેચોમાં સારું પ્રદર્શનકરવાની જરૂર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.