ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ચાઇઝીએ સર જાડેજાને અનફોલો કર્યા
રવીન્દ્ર જાડેજા 10 વર્ષથી ચેન્નઈ સુપર કિંગ્સનો મહત્ત્વપૂર્ણ ખેલાડી રહ્યો છે. એવામાં કેપ્ટનશિપપદેથી રાજીનામું આપ્યા પછી CSKએ સર જાડેજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે. વળી, ત્યાર પછી પછી માહિતી મળી આવી કે રવીન્દ્ર જાડેજાને પાંસળીની ઈજાને કારણે IPL 2022માંથી બહાર થવું પડ્યું છે. એવામાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, 4 મેના દિવસે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે રમાયેલી મેચમાં જાડેજાને પાંસળીમાં ઈજા થઈ હતી, પરંતુ અત્યારે ફેન્સને આ ઓફિશિયલ સ્ટેટમેન્ટ પર વિશ્વાસ નથી, તેમને આની પાછળનું કારણ કંઈક બીજું જ લાગી રહ્યું છે. ચાલો, સમગ્ર વિવાદ પર નજર ફેરવીએ…
ચેન્નઈ સુપર કિંગ્સના ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે રવીન્દ્ર જાડેજા ઈન્જરીને કારણે દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં ઉપલબ્ધ નહોતો. તે સારવાર હેઠળ હતો, જોકે ત્યાર પછી સર જાડેજા IPLની સમગ્ર સીઝનમાંથી બહાર થઈ ગયા હોવાની જાણકારી મળી હતી.
આ સીઝનની શરૂઆત પહેલાં ચેન્નઈએ સૌથી વધુ 16 કરોડ રૂપિયા ચૂકવીને જાડેજાને રિટેન કર્યો હતો. જોકે જાડેજાની કેપ્ટનશિપ હેઠળ ટીમ 8માંથી 6 મેચ હારી ગઈ હતી. આ દરમિયાન જાડેજાએ બેટિંગ દરમિયાન 111 રન કર્યા, જ્યારે બોલિંગમાં પણ 3 વિકેટ લીધી હતી. મીડિયામાં જાહેર કરાયેલા નિવેદન અનુસાર ખરાબ પ્રદર્શન પછી જાડેજાએ પોતાની ગેમ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કેપ્ટનશિપનું પદ છોડવાનો નિર્ણય લીધો હતો.