
આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ જીતવા માટેની મજબૂત દાવેદારઃ સુનીલ ગાવસ્કર
મુંબઈ,
પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરએ કહ્યું, આ વર્ષે પણ મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ જીતવા માટેની મજબૂત દાવેદાર છે. તેમણે કહ્યું, મુંબઈની ટીમ ઘણી મજબૂત છે. તેમની પાસે ભારતીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ છે. આવી સ્થિતિમાં તેને હરાવવી ખૂબ જ મુશ્કેલ છે. ગાવસ્કરે કહ્યું, મુંબઈના મોટાભાગના ખેલાડીઓ આઈપીએલ-૨૦૨૧ પહેલા ફોર્મમાં છે. આપણે જાેયું છે કે ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવે ઇંગ્લેન્ડ સામેની ટી-૨૦ શ્રેણીમાં કેવી બેટિંગ કરી હતી. આ જાેઈને ખબર પડી ગઈ છે કે ટીમના મોટાભાગના ખેલાડીઓ ફોર્મમાં છે.
ગાવસ્કરએ કહ્યું, ઈંગ્લેન્ડ સામે મુંબઇનો કેપ્ટન રોહિત શર્મા પણ રંગમાં જાેવા મળ્યો છે. આવી સ્થિતિમાં આ બેટ્સમેન કોઈપણ ટીમ સામે હાવી થઈ શકે છે. તેમના મતે, જસપ્રિત બુમરાહ અને ન્યુઝીલેન્ડનો ટ્રેન્ટ બૌલ્ટની આગેવાની હેઠળ ટીમની ફાસ્ટ બોલિંગ એટેક પણ ખૂબ જ મજબૂત છે.
એટલું જ નહીં, જે રીતે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજા બાદ બોલિંગમાં પાછો ફર્યો છે, તે આ સિઝનમાં ટીમ માટે મોટુ બોનસ હશે. તેણે ઇંગ્લેન્ડ સામેની ૫ ટી-૨૦ શ્રેણીમાં ૧૭ ઓવર ફેંકી હતી. આ દરમિયાન તેણે ૬.૯૪ની ઇકોનોમી સાથે ૧૧૮ રન આપ્યા હતા. જે ટી-૨૦ ફોર્મેટની દ્રષ્ટિએ ફાયદાકારક માનવામાં આવે છે. આ સિવાય તેણે ઇંગ્લેન્ડ સામેની છેલ્લી વનડેમાં પણ ૯ ઓવર ફેંકી હતી અને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
ગાવસ્કરે કહ્યું, હાર્દિકે જે રીતે છેલ્લી વનડેમાં ૯ ઓવર ફેંકી તે માત્ર મુંબઇ ઇન્ડિયન્સ માટે જ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટ માટે પણ સારા સમાચાર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની જૂન મહિનામાં ફાઇનલ થવાની છે. જાે કે, હજુ તેની વાર છે, પરંતુ તે ટીમનો ભાગ બની શકે છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ આઈપીએલની પ્રથમ મેચ ૯ એપ્રિલે વિરાટ કોહલીની કેપ્ટન્સીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર(આરસીબી) સામે રમાવાની છે. આ મેચ ચેન્નાઈના એમ કે ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાશે. આ મેદાન પર ટીમ લીગ સ્ટેજની પાંચ મેચ રમશે. આ ઉપરાંત દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે મુંબઇની ચાર મેચ યોજાશે.
મુંબઈ ઈન્ડિયન્સન ટીમઃ-
રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, કાયરન પોલાર્ડ, સૂર્યકુમાર યાદવ, કૃણાલ પંડ્યા, ક્વિન્ટન ડિકોક, ટ્રેન્ટ બોલ્ટ, ઇશાન કિશન, રાહુલ ચહર, સૌરભ તિવારી, ધવલ કુલકર્ણી, આદિત્ય તારે, જયંત યાદવ, ક્રિસ લિન, અનુકુલ રોય, અનમોલપ્રીત સિંહ અને મોહસીન ખાન. એડમ મિલને, નાથન કુલ્ટર નાઇલ, પિયુષ ચાવલા, જિમ્મી નીશમ, યુધવીર ચારક, માર્કો જેસોન, અર્જુન તેંડુલકર.