ઓસ્ટ્રેલિયન ઓપનમાં સોફિયા કેનિનનો પરાજયઃ ટોપ સીડેડ ખેલાડીઓની આગેકૂચ

Sports
Sports

ઓસ્ટ્રેલિયન ઓપનમાં ગત વર્ષની ચેમ્પિયન સોફિયા કેનિન વિશ્વની ૬૫મી ક્રમાંકિત કૈઆ કાનેપી સામે બીજા રાઉન્ડમાં ૬-૩, ૬-૨થી સીધા સેટમાં હારતા અપસેટ સર્જાયો છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન જીતનારી અને ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પહોંચનારી સોફિયા કેનિન ૬૪ મિનિટના મુકાબલામાં ૨૨ અનફોર્સ્ડ એરર કરી હતી.

જ્યારે પ્રથમ ક્રમાંકિત એશ બાર્ટીએ તેના જ દેશની ડેરિયા ગેવરીલોવાને ૬-૧, ૭-૬(૭)થી સીધા સેટોમાં હરાવી હતી. પ્રથમ સેટ સરળતાથી જીતનારી બાર્ટી બીજા સેટમાં પણ ૫-૨થી આગળ હતી, પરંતુ ગેવરીલોવાએ તેની સર્વિસ બે વખત બ્રેક કરી હતી અને તેને બાર્ટીની અનફોર્સ્ડ એરરનો પણ ફાયદો મળતા તે મેચને ટાઇબ્રેકરમાં ખેંચી જવામાં સફળ રહી હતી. બાર્ટી હવે ૨૯મી ક્રમાંકિત રશિયાની એક્ટેરિના એલેક્સાન્દ્રોવા સામે ટકરાશે.

ભૂતપૂર્વ પ્રથમ ક્રમાંકિત કેરોલિના પ્લિસ્કોવાએ ૨૦૧૯ની ઓસ્ટ્રેલિયન ઓપન સેમી ફાઇનલિસ્ટ અમેરિકાની કોલિન્સ સામે ૭-૫,૬-૨થી સીધા સેટોમાં વિજય મેળવ્યો હતો. કોલિન્સને પહેલા સેટમાં તેના જ વિશ્વસનીય ફોરહેન્ડ શોટે દગો દેતા પ્લિસ્કોવાએ પ્રથમ સેટ જીત્યો હતો. પ્લિસ્કોવા હવે ૨૫મી ક્રમાંકિત કેરોલિના મ્યુકોવા સામે ટકરાશે.

મેન્સમાં જોઈએ તો રાફેલ નડાલે અમેરિકન ક્વોલિફાયર માઇકલ મ્મોહ સામે ૬-૧,૬-૪,૬-૨થી વિજય મેળવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. નડાલ પીઠની ઇજાના લીધે ઓસ્ટ્રેલિયન ઓપન પૂર્વેની એટીપી ટુર્નામેન્ટમાંથી હટી ગયો હતો અને આ ઇજા તેને હજી પણ સતાવી રહી હોવાનું તેણે જણાવ્યું હતું. જો કે મેચમાં ક્યાંય લાગ્યું ન હતું કે તે ઇજાગ્રસ્ત છે. હવે તે બ્રિટનના કેમરુન નોરી કે રશિયન ક્વોલિફાયર રોમન સૈફુલિન વચ્ચેના વિજેતા સામે ટકરાશે.

આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન ઓપનમાં વધુ એક અપસેટ સર્જાતા રહી ગયો હતો. ગ્રીસનો પાંચમા ક્રમાંકિત ખેલાડી સ્ટેફાનોસ સિત્સિપાસે વાઇલ્ડ કાર્ડથી પ્રવેશેલા સ્થાનિક ખેલાડી થાનસી કોક્કીનેકિસ સામે પાંચ સેટના સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ૬-૭(૫), ૬-૪, ૬-૧, ૭-૫(૪), ૬-૪થી વિજય મેળવ્યો હતો. કોક્કીનેકિસ ૨૬૭મો ક્રમાંકિત ખેલાડી છે. આ મેચ ચાર કલાક અને ૩૨ મિનિટ ચાલી હતી. કોકીનેકિસ મેલબોર્નમાં સ્થાયી થયેલા ગ્રીક વસાહતીનું સંતાન છે.

ભારતના દિવિજ શરણ અને અંકિતા રૈના બંને મેન્સ અને વીમેન્સ ડબલ્સમાંથી બહાર ફેંકાઈ ગયા છે. અંકિતા અને તેની પાર્ટનર મિખાઇલ બુઝારનેકુ ઓસ્ટ્રેલિયાની વાઇલ્ડ કાર્ડથી પ્રવેશેલી જોડી સામે ૩-૬, ૦-૬થી સીધા સેટોમાં હારી ગયા હતા. ઓસ્ટ્રેલિયાની ઓલિવિયા ગેડેકી અને બેલિન્ડા વૂલકોકની જોડીએ આ મેચ ફક્ત એક કલાક અને ૧૭ મિનિટમાં જીતી લીધી હતી. આ ઉપરાંત મેન્સ ડબલ્સમાં ભારતના દિવિજ શરન અને તેના સ્લોવાકિયન પાર્ટનર ઇગોર ઝેલેનેયની જોડીને જર્મનીના યાનિક હેનમેન અને કેવિન ક્રાવેઇટ્ઝની જોડીએે ૧-૬,૪-૬થી હરાવી હતી. આ ઉપરાંત રોહન બોપન્ના અને જાપાનના બેન મેકલનની જોડી પહેલા રાઉન્ડમાં જ ૪-૬,૬-૭થી હારીને બહાર ફેંકાઈ ગઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.