
સાઇના નેહવાલ ઈજા થતા મુકાબલો અધવચ્ચે પડતો મુકાયો
ન્યુ દિલ્હી,
ભારતના ચાર મેન્સ શટલરે ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ ભૂતપૂર્વ પ્રથમ ક્રમાંકિત સાઇના નેહવાલને ઇજાના કારણે વિમેન્સ સિંગલ્સના પ્રારંભિક મુકાબલાને અધવચ્ચેથી પડતો મૂકવાની ફરજ પડી હતી. સાઇનાને થાપામાં સ્નાયુ ખેંચાઇ જવાની ઇજા થઇ હતી. ડેનમાર્કની ખેલાડી મિયા બ્લિચફેલ્ટ સામેના પ્રથમ મુકાબલામાં સાઇના ૮-૨૧, ૪-૧૦ના સ્કોરથી પાછળ હતી ત્યારે તેણે મુકાબલો પડતો મૂક્યો હતો. મેન્સ સિંગલ્સમાં વિશ્વના ૧૫મા ક્રમાંકિત બી. સાઇ પ્રણીથે ફ્રાન્સના ટોમા જૂનિયર પોપોવને ૨૧-૧૮, ૨૨-૨૦થી પરાજય આપ્યો હતો. એચએસ પ્રણોયે મલેશિયાના ડેરેન લિયૂને ૨૧-૧૦, ૨૧-૧૦થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું. યુવા શટલર લક્ષ્ય સેને થાઇલેન્ડના કાંટાફોન વાંગચારોએનને ૨૧-૧૮, ૨૧-૧૨થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. સમીર વર્માએ બ્રાઝિલના યેગોર કોલ્હોને ૨૧-૧૧, ૨૧-૯થી પરાજય આપ્યો હતો.
વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધૂએ મલેશિયાની સોનિયા ચિયાને ૩૮ મિનિટ સુધી રમાયેલી મેચમાં ૨૧-૧૧, ૨૧-૧૭ના સ્કોરથી હરાવી હતી. આ પહેલાં અશ્વિની પોનપ્પા અને એન સિક્કી રેડ્ડીની જાેડીએ થાઇલેન્ડની બેનયાપા અને એમસાર્ડની જાેડીને ૩૦ મિનિટમાં ૨૧-૧૪, ૨૧-૧૨થી હરાવી હતી. શ્રીકાંતને આયરલેન્ડના એનગુયેન નેહાટે ૧૧-૨૧, ૨૧-૧૫, ૧૨-૨૧થી તથા કશ્યપને કેન્ટો મોમોટાએ ૪૨ મિનિટમાં ૧૩-૨૧, ૨-૨૨ના સ્કોરથી હરાવ્યો હતો.