
રાહુલ-સુંદરની ભૂલ બાદ રોહિત શર્માનો ફૂટયો ગુસ્સો
નવી દિલ્હી, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝ શરૂ થઈ ગઈ છે. પ્રતિષ્ઠિત સિરીજની પ્રથમ મેચ મીરપુરના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાઈ હતી. આ લો સ્કોરિંગ રોમાંચક મેચમાં બાંગ્લાદેશની ટીમે એક વિકેટથી જીત મેળવી હતી. મેચ દરમિયાન ભારતીય ફિલ્ડરોની ફિલ્ડિંગ એકદમ સામાન્ય હતી. જેના કારણે કેપ્ટન રોહિત શર્મા મેદાનની વચ્ચે જ ગુસ્સાથી લાલચોળ થયેલો જોવા મળ્યો હતો.
ભારતીય ટીમે આપેલા ૧૮૭ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે ૧૩૬ રનમાં પોતાની નવ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ અહીંથી મેહદી હસન મિરાજ અને મુસ્તફિઝુર રહેમાને ઇનિંગ્સ સંભાળતા ટીમને જીતના ઉંબરે પહોંચાડી દીધી હતી. આ દરમિયાન મેહદી હસનને બે શાનદાર તકો મળી હતી. પ્રથમ વન-ડેમાં પોતાની ટીમ માટે આઠમા સ્થાને બેટિંગ કરી રહેલા મેહદી હસને ૩૯ બોલમાં ૩૮ રનની અણનમ લડાયક ઇનિંગ રમી હતી.
આ સાથે જ રહેમાને ૧૧ બોલમાં અણનમ ૧૦ રનનું યોગદાન આપ્યું હતું. ૧૩૬ રનમાં નવ વિકેટ ગુમાવીને યજમાન ટીમ હારની આરે ઉભી હતી. પરંતુ મેચ દરમિયાન ૪૩મી ઓવરમાં કેએલ રાહુલે પહેલા મેહદી હસન મિરાજનો કેચ છોડી દીધો હતો. આ પછી એ જ ઓવરના આગલા બોલ પર વોશિંગ્ટન સુંદરે પણ ભૂલ કરી. તેની પાસે કેચ પકડવાની સુવર્ણ તક હતી. પરંતુ તે બોલ સુધી પણ પહોંચી શકયો ન હતો. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા મેદાનમાં ખેલાડીઓ પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો.
મેચ બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, ‘તે ખૂબ જ નજીકની મેચ હતી. અમે મેચમાં વાપસી માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા. અમારી બેટિંગ નબળી હતી પરંતુ બોલિંગ શાનદાર હતી. અમે બાંગ્લાદેશના ખેલાડીઓ પર અંત સુધી દબાણ બનાવી રાખ્યું હતું. જો તમે જોશો તો અમે છેલ્લી કેટલીક ઓવરોમાં અંતમાં વિકેટો લીધી છે. રન વધુ બની શકયા નહી. જો ૩૦-૪૦ વધુ રન બનાવ્યા હોત તો ચોક્કસ ફરક પડત. કેએલ રાહુલ અને વોશિંગ્ટન સુંદર બંને શાનદાર રમ્યા’.