રાજસ્થાન રોયલ્સની 45 રને હાર, ચેન્નાઈ સુપરનો ‘કિંગ્સ’ વિજય

Sports
Sports

IPL 2021ની 12મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ (Chennai Super Kings vs Rajasthan Royals)ની વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. ચેન્નાઇએ મેચને 45 રને જીતી લીધી હતી. ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમે 100 રનમાં જ 5 વિકેટ ગુમાવી હતી. રૈના અને રાયડૂએ ધમાકેદાર બેટિંગ કરી હતી પણ બંને બેટસમેનને ચેતન સાકરિયાએ એક જ ઓવરમાં આઉટ કર્યા હતા. ચેન્નાઈની ટીમે 9 વિકેટ ગુમાવીને 188 રન કર્યા હતા. જવાબમાં રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોએ લક્ષ્યાંકનો પીછો કરતા ધબડકો સર્જતા 20 ઓવરમાં 9 વિકેટે 143 રન કર્યા હતા.

શરુઆતની 10 ઓવર સુધીની રમત આમ તો મેચ ટક્કર જમાવતી લાગી રહી હતી પરંતુ 12મી ઓવરમાં જોસ બટલરની વિકેટ ગુમાવ્યા બાદ રાજસ્થાનના બેટ્સમેનોએ એક બાદ એક વિકેટો ગુમાવી દેતા મેચને જ જાણે કે ગુમાવી દીધી હતી. રાજસ્થાને પ્રથમ વિકેટ મનન વોરાના રુપમાં 30 રને ગુમાવી હતી. મનને 14 રન કર્યા હતા. ત્યારબાદ કેપ્ટન સંજૂ સેમસન માત્ર 1 જ રન કરીને આઉટ થયો હતો. બટલરે 87 રનના સ્કોર પર 49 રન કરીને આઉટ થયો હતો. શિવમ દુબે 20 બોલમાં 17 રને આઉટ થયો હતો. ડેવિડ મિલર 2 રન, રિયાન પરાગ 3 રન, ક્રિસ મોરિસ શૂન્ય રને વિકેટ ગુમાવી દેતા રાજસ્થાને મેચને ગુમાવી દીધી હતી.

રાજસ્થાનનો સ્કોર 87 રન પર 3 વિકેટ હતો, પરંતુ 95 રને 7 વિકેટ પર પહોંચી ગયો હતો. મિડલ ઓર્ડર નિષ્ફળ જતા રાજસ્થાન મુશ્કેલીમાં મુકાઈ ગયુ હતુ. રાહુલ તેવટીયા અને ઉનડકટે છગ્ગા લગાવ્યા હતા, પરંતુ તે નિરર્થક રહ્યા હતા. કારણ કે અંતિમ ઓવરો પહેલા જ રાજસ્થાનના હાથમાંથી મેચ સરકી ચુકી હતી. જોકે તેવટીયા બ્રાવોના બોલ પર વિકેટ ગુમાવી બેઠો હતો, તેણે 15 બોલમાં 20 રન કર્યા હતા. ચેતન સાકરિયા અને મુસ્તફિઝુર બંને શૂન્ય રને અણનમ રહ્યા હતા.

મોઈન અલીએ રાજસ્થાનના મિડલ ઓર્ડરને ઉખાડી નાંખ્યો હતો. આ સાથે જ મોઈને મેચને ચેન્નાઈના પક્ષમાં પલટી દીધી હતી. મોઈન અલીએ ડેવિડ મિલર, રિયાન પરાગ અને ક્રિસ મોરિસની વિકેટો ઝડપી હતી. મોઈન અલીએ 3 ઓવર કરીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે તેણે માત્ર 7 જ રન આપ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 4 ઓવર કરીને 2 મહત્વની વિકેટ ઝડપી હતી. તેણે જોસ બટલર અને શિવમ દુબેને પેવેલિયન પરત મોકલ્યા હતા. જાડેજાએ મેચ દરમ્યાન ચાર કેચ ઝડપ્યા હતા. સેમ કરને પણ 4 ઓવર કરીને 2 વિકેટ ઝડપી હતી. શાર્દુલ ઠાકુર અને બ્રાવોએ એક એક વિકેટ ઝડપી હતી.

ચેન્નાઈએ બેટિંગની શરૂઆત સારી કરી હતી, ત્યારે 25 રનના સ્કોર પર ઓપનર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ 10 રન પર આઉટ થયો હતો, ત્યારબાદ 45 રનના સ્કોર પર ડૂ પ્લેસીસ પણ ક્રિસ મોરિસના બોલિંગમાં રિયાન પરાગના હાથે કેચ આઉટ થયો હતો. ત્યારે મોઈન અલી 26 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ રૈના 18 રન કરીને અને રાયડુ 27 રન કરીને ચેતન સાકરિયાના બોલ પર આઉટ થયા હતા. ત્યારે કેપ્ટન ધોની પણ આજે 18 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. રવિન્દ્ર જાડેજા પણ આજે નિષ્ફળ નિવડ્યો, તે માત્ર 8 કરીને આઉટ થયો, ત્યારે સેમ કરન અને શાર્દુલ ઠાકુર રનઆઉટ થયા હતા. પરિણામે ચેન્નાઈનો સ્કોર 188 રન રહ્યો હતો.

રાજસ્થાને આજે સાવચેતીપૂર્વકની બોલિંગ કરી હતી અને ચેન્નાઈની 9 વિકેટ લીધી હતી. ચેતન સાકરિયા સૌથી વધુ વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. સાકરિયાએ રૈના, રાયડુ અને ધોનીની વિકેટ લીધી, ક્રિસ મોરિસે પણ 2 વિકેટ ઝડપી હતી. તે સિવાય રહેમાન અને રાહુલ તિવેટિયા પણ 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. યુવા ખેલાડી રિયાન પરાગે આજે સૌથી વધુ કેચ પકડ્યા હતા. પરાગે ડુ પ્લેસીસી, મોઈન અલી અને અંબાતી રાયડુનો કેચ ઝડપ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.