રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીના નેતળત્વમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પી.ટી. ઉષા, રમતગમત સંઘના સચિવ હરિ રંજન રાવ, ગુજરાતના રમતગમત વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી અશ્વિની કુમાર અને શહેરી વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી થેનારાસન સહિતના રમતગમત પ્રતિનિધિમંડળે સ્વિત્ઝરલેન્ડના લૌઝેન શહેરમાં વિશ્વ કક્ષાના રમતગમત પ્રતિનિધિમંડળો સાથે મહત્ત્વપૂર્ણ બેઠકો કરી. રમતગમત પ્રતિનિધિમંડળે લૌઝેન સ્થિત વૈશ્વિક રમતગમત ઇવેન્ટ સંગઠન સ્પોર્ટએકોર્ડના અધ્યક્ષ સાથે બેઠક કરીને ગુજરાતમાં યોજાનારી સ્પોર્ટએકોર્ડ કોન્ફરન્સ માટે આમંત્રણ આપ્યું. ત્યારબાદ ટીમ બર્સન સાથે આંતરરાષ્ટ્રીય રમતગમત ટુર્નામેન્ટ પ્રેઝન્ટેશન્સ, સહયોગ અને આ ક્ષેત્રમાં વિકાસ માટેની વિવિધ તકો અંગે પણ વિગતવાર ચર્ચા કરી.
એસોસિએશન ઓફ નેશનલ ઓલિમ્પિક કમિટીઝ (એએનઓસી) ટીમ સાથે મુલાકાત કરીને ગુજરાત અને ભારતના અન્ય રાજ્યોમાં એએનઓસી ઇવેન્ટ્સનું આયોજન કરવા માટેની સંભવિત તકોની ચર્ચા કરવામાં આવી. હર્ષ સંઘવીની આગેવાનીના પ્રતિનિધિમંડળે એફઆઈવીબી પ્રમુખ (આંતરરાષ્ટ્રીય વોલીબોલ ફેડરેશન) અને તેમની ટીમ સાથે વિવિધ ટુર્નામેન્ટ્સનું આયોજન અને વોલીબોલ રમતના વિકાસ માટેની તકો અંગે ચર્ચા કરતા ફળદાયી બેઠક કરી.