મુરલી શ્રીશંકરે લોન્ગ જંપમાં ભારતને સિલ્વર અપાવ્યો
ભારતના એથલીટ મુરલી શ્રીશંકરે કોમનવેલ્થ ગેમ્સ 2022માં ઈતિહાસ રચ્યો છે.જેમાં શ્રી શંકરે પુરૂષોની લોન્ગ જંપ ઈવેન્ટમાં પ્રથમવાર ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે.જેમાં મુરલીએ 8.08 મીટરની છલાંગ લગાવીને સિલ્વર મેડલ જીત્યો છે.આમ કોમનવેલ્થ લોન્ગ જંપમાં મેડલ જીતનારા બીજા ભારતીય પુરૂષ એથલીટ બન્યા છે. કોમનવેલ્થની લોન્ગ જંપ સ્પર્ધામાં ભારતને 44 વર્ષ પહેલા પ્રથમ મેડલ મળ્યો હતો.જે 1978માં કેનેડા ખાતે આયોજિત કોમનવેલ્થમાં સુરેશ બાબુએ દેશ માટે બ્રોન્ઝ મેડલ જીતી આપ્યો હતો.કેરળના શ્રીશંકરે ઈંગ્લેન્ડની હાડકાં ગાળી દેતી ઠંડીનો સામનો કરીને પોતાની જાતને મજબૂત બનાવી રાખી હતી.આમ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન આપનારા શ્રી શંકરે ફાઈનલ રાઉન્ડમાં ભારે ઠંડીનો સામનો કરવો પડ્યો હતો.એપેન્ડિસાઈટિસના કારણે તેઓ 2018ની ગોલ્ડકોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ ચૂકી ગયા હતા.કોમનવેલ્થ ગેમ્સ 2022ની એથલેટિક્સ ઈવેન્ટમાં ભારતનો આ બીજો મેડલ છે.આ અગાઉ તેજસ્વીન શંકરે હાઈ જંપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.શ્રી શંકર ઉપરાંત મોહમ્મદ અનીસ યાહિયા પણ ફાઈનલમાં પહોંચ્યા હતા પરંતુ તેઓ 7.97 મીટરના બેસ્ટ જંપ સાથે 5મા ક્રમે રહ્યા હતા.શ્રી શંકરે આ મેડલ પોતાના પરિવાર અને દેશને સમર્પિત કર્યો છે. મુરલીના કહેવા પ્રમાણે તેનો આખો પરિવાર રમત-ગમત ક્ષેત્રે છે. તેમના ઘરે ભોજન સમયે પણ રમતોની વાતો થાય છે અને ટીવીમાં પણ સ્પોર્ટ્સ જોવામાં આવે છે. લોકડાઉન સમયે એક કઝિને ખૂબ સપોર્ટ આપ્યો હતો અને અલગ જિમ બનાવી આપ્યું હતું.