ચેન્નાઈમાં 22 વર્ષ પછી ભારતની હાર, ઇંગ્લેન્ડની ભારતીય જમીન પર સૌથી મોટી જીત

Sports
Sports

ભારત ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ચેન્નાઈ ખાતે 420 રનનો પીછો કરતાં 192 રનમાં ઓલઆઉટ થયું છે. ટીમ ઇન્ડિયા 22 વર્ષે ચેન્નાઈમાં ટેસ્ટ હાર્યું છે. અહીંયા ભારત છેલ્લે જાન્યુઆરી 1999માં પાકિસ્તાન સામે 12 રને હાર્યું હતું. તે પછી ટીમ ઇન્ડિયાએ અહીં 8 ટેસ્ટ રમી હતી, જેમાંથી 5 જીતી હતી અને 3 ડ્રો રહી હતી. આ ઇંગ્લેન્ડની ભારતીય જમીન પર સૌથી મોટી જીત છે. આ પહેલા તેમણે 2006માં મુંબઈ ટેસ્ટ 212 રને જીતી હતી.

ઇંગ્લેન્ડ 8 વર્ષ પછી ભારતમાં ટેસ્ટ જીત્યું છે અને તેમણે 4 ટેસ્ટની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ટીમ ઇન્ડિયા માટે રનચેઝમાં કેપ્ટન વિરાટ કોહલીએ કરિયરની 24મી ફિફટી ફટકારતાં 72 રન અને શુભમન ગિલે કરિયરની ત્રીજી ફિફટી ફટકારતાં 50 રન કર્યા, તે સિવાય અન્ય કોઈ બેટ્સમેન પિચ પર ટકી શક્યો નહોતો. ઇંગ્લેન્ડ માટે જેક લીચે 4, જેમ્સ એન્ડરસને 3 જ્યારે બેન સ્ટોક્સ, જોફરા આર્ચર અને ડોમ બેસે 1 વિકેટ લીધી.

ઇંગ્લેન્ડ 8 વર્ષ પછી ભારતમાં ટેસ્ટ જીત્યું
ઇંગ્લેન્ડની ટીમે 8 વર્ષ પછી ભારતમાં ટેસ્ટ જીતી છે. તેમણે છેલ્લે ભારતને ડિસેમ્બર 2012માં ઈડન ગાર્ડન્સ ખાતે માત આપી હતી. તે પછી ભારતમાં બંને દેશ વચ્ચે 6 ટેસ્ટ રમાઈ હતી, જેમાંથી 4 ભારત જીત્યું અને 2 ટેસ્ટ ડ્રો રહી.

ચેન્નાઈમાં પણ ઇંગ્લેન્ડની સૌથી મોટી જીત
ઇંગ્લેન્ડની રનના માર્જિનથી આ સૌથી મોટી જીત છે. આ પહેલાં તેમણે 1934માં ભારતને 202 રને હરાવ્યું હતું. તેમણે 1977માં ભારતને 200 રને હરાવ્યું હતું. ઓવરઓલ ભારતની ઘરઆંગણે રનના માર્જિનથી સૌથી મોટી હાર 2004માં નાગપુર ટેસ્ટ ખાતે થઈ હતી. ત્યારે કાંગારું 342 રને જીત્યું હતું.

ઇંગ્લેન્ડના ઓપનર્સ સસ્તામાં આઉટ
રોરી બર્ન્સ ઇનિંગ્સના પહેલા જ બોલે અશ્વિનની બોલિંગમાં સ્લીપમાં રહાણે દ્વારા કેચ આઉટ થયો હતો. તે પછી ડોમિનિક સિબલે અશ્વિનની જ બોલિંગમાં લેગ સ્લીપમાં પૂજારાના હાથે કેચ આઉટ થયો હતો. સિબલેએ 37 બોલમાં 2 ફોરની મદદથી 16 રન કર્યા હતા.

ભારત 337 રનમાં ઓલઆઉટ થયું
ભારત ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ચેન્નાઈ ખાતે 337 રનમાં ઓલઆઉટ થયું છે. ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 578 રન કર્યા હતા અને તેમને 241 રનની લીડ મળી છે. તેમણે ફોલો-ઓન ન કરવાનો નિર્ણય લીધો. તેમના માટે ડોમ બેસે 4, જ્યારે જેક લીચ, જેમ્સ એન્ડરસન અને જોફરા આર્ચરે 2 વિકેટ લીધી. જ્યારે ભારત માટે ઋષભ પંતે 91, વી. સુંદરે 85* અને ચેતેશ્વર પૂજારાએ 73 રન કર્યા.

સુંદર અને અશ્વિનની 80 રનની ભાગીદારી
રવિચંદ્રન અશ્વિન અને વી. સુંદરે સાતમી વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. અશ્વિન જેક લીચની બોલિંગમાં કીપર બટલર દ્વારા કેચ આઉટ થયો હતો. અશ્વિને 91 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 31 રન કર્યા હતા. તે પછી શાહબાઝ નદીમ શૂન્ય રને લીચની બોલિંગમાં સ્લીપમાં સ્ટોક્સ દ્વારા કેચ આઉટ થયો હતો.

ઋષભ પંત 9 રન માટે સદી ચૂક્યો
ઋષભ પંત ડોમ બેસની બોલિંગમાં ડીપ કવર પર જેક લીચના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 88 બોલમાં 9 ફોર અને 5 સિક્સની મદદથી 91 રન કર્યા હતા. તે 9 રન માટે સદી ચૂક્યો હતો.

પૂજારા અને પંતની 119 રનની ભાગીદારી
73 રનમાં 4 વિકેટ ગુમાવ્યા પછી ચેતેશ્વર પૂજારા અને ઋષભ પંતે બાજી સંભાળી હતી. બંનેએ પાંચમી વિકેટ માટે 119 રનની ભાગીદારી કરી. પૂજારાએ પોતાના કરિયરની 29મી ફિફટી ફટકારતાં 143 બોલમાં 11 ફોરની મદદથી 73 રન કર્યા હતા. તે ડોમ બેસના શોર્ટમાં શોટ મારવા ગયો, બોલ શોર્ટ લેગ પર ફિલ્ડિંગ કરી રહેલા ફિલ્ડરના ખભેથી ડિફલેક્ટ થઈને મિડવિકેટ પર ગયો. રોરી બર્ન્સે સરળ કેચ કર્યો.

ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 578 રનમાં ઓલઆઉટ
ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 578 રનમાં ઓલઆઉટ થયું છે. તેમના જો રૂટે 218, ડોમિનિક સિબલેએ 87 અને બેન સ્ટોક્સે 82 રન કર્યા. ભારત માટે જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિને 3-3 વિકેટ, જ્યારે ઇશાંત શર્મા અને શાહબાઝ નદીમે 2-2 વિકેટ લીધી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.