
બીજી વનડેમાં કાંગારૂને ૯૯ રને હરાવીને ભારતે સિરીઝ જીતી
ઈન્દોર, ભારતીય ટીમે વિશ્વકપ પહેલા ધમાકો મચાવી દીધો છે. એશિયા કપ કબજે કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને બીજી વનડેમાં પરાજય આપી ત્રણ મેચની સિરીઝમાં ૨-૦ની લીડ મેળવી લીધી છે. ઈન્દોરમાં રમાયેલી બીજી વનડેમાં ભારતનો ડક્વર્થ લુઈસ નિયમ પ્રમાણે ૯૯ રને વિજય થયો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા ૫૦ ઓવરમાં ૫ વિકેટે ૩૯૯ રન ફટકાર્યા હતા. પરંતુ ઓસ્ટ્રેલિયાની ઈનિંગમાં વરસાદ પડયો હતો. ત્યારબાદ મહેમાન ટીમને ૩૩ ઓવરમાં ૩૧૭ રનનો રિવાઇઝ ટાર્ગેટ મળ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમ ૨૮.૨ ઓવરમાં ૨૧૭ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ભારતીય ટીમ વિશ્વકપમાં નંબર-૧ ટીમ તરીકે ઉતરશે.
ઓસ્ટ્રેલિયાની ઈનિંગની ૯ ઓવર થઈ ત્યારે મેચમાં વરસાદ પડયો હતો. ત્યારબાદ ડ્ઢન્જી નો નિયમ લાગૂ પડયો હતો. ઓસ્ટ્રેલિયાને ૩૩ ઓવરમાં ૩૧૭ રનનો પહાડી લક્ષ્ય મળ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ ૨૮.૨ ઓવરમાં ૨૧૭ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી આર અશ્વિન અને જાડેજાએ ૩-૩ વિકેટ લીધી હતી. આ સિવાય પ્રસિદ્ધ કૃષ્ણાએ બે અને શમીએ એક સફળતા મેળવી હતી.
ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે ૫૩ રન ફટકાર્યા હતા. ઓપનર મેથ્યૂ શોર્ટ (૯) રન બનાવી પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો હતો. કેપ્ટન સ્ટીવ સ્મિથ શૂન્ય રન પર આઉટ થયો હતો. માર્નસ લાબુશેને ૨૭ રન ફટકાર્યા હતા. જોશ ઈંગ્લિશ ૬ રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો હતો. વિકેટકીપર એલેક્સ કેરી માત્ર ૧૪ રન બનાવી આઉટ થયો હતો. કેમરૂન ગ્રીન ૧૯ રન બનાવી રનઆઉટ થયો હતો.
ઓસ્ટ્રેલિયન ટીમ એક સમયે મુશ્કેલીમાં હતી. પરંતુ સેન એબોટે ૩૬ બોલમાં ૫ સિક્સ અને ૪ ચોગ્ગા સાથે ૫૪ રન ફટકારી ટીમનો સ્કોર ૨૦૦ને પાર પહોંચાડયો હતો. જોશ હેઝલવુડે પણ ૨૩ રન ફટકાર્યા હતા.
ભારતે ૧૬ રન પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે કાંગારૂ બોલરોના છોતરા કાઢી નાખ્યા હતા. બંનેએ આક્રમક શરૂઆત કરતા પ્રથમ પાવરપ્લેમાં ટીમનો સ્કોર ૮૦ રન પર પહોંચાડી દીધો હતો. પાવરપ્લે બાદ પણ બંને બેટરોએ બાઉન્ડ્રી ફટકારવાનું જારી રાખ્યું હતું. ત્યારબાદ અય્યર અને ગિલે પોતાની અડધી સદી પૂરી કરી હતી.
ઈજા બાદ વાપસી કરી રહેલો અય્યર આજે શાનદાર લયમાં જોવા મળ્યો હતો. અય્યરે પોતાના વનડે કરિયરની ત્રીજી સદી ફટકારતા ૧૦૫ રન બનાવ્યા હતા. અય્યરે ૯૦ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૩ સિક્સ સાથે ૧૦૫ રન બનાવ્યા હતા. અય્યર અને ગિલે બીજી વિકેટ માટે ૨૦૦ રનની ભાગીદારી કરી હતી. શુભમન ગિલે પોતાના વનડે કરિયરની છઠ્ઠી સદી ફટકારી હતી. ગિલ ૯૭ બોલમાં ૬ ફોર અને ચાર સિક્સ સાથે ૧૦૪ રન બનાવી આઉટ થયો હતો.