
એશિયન ગેમ્સ ૨૦૨૩માં ભારતે જીત્યો પહેલો ગોલ્ડ
હોંગઝોઉ, ચીનના હોંગઝોઉમાં યોજાયેલા ૧૯મા એશિયન ગેમ્સનો આજે બીજો દિવસ છે. આજે ભારતીય ખેલાડીઓ રોઈંગ, ટેનિસ, ક્રિકેટ, બોક્સિંગ, સ્વિમિંગ, શુટિંગ જેવા ખેલોમાં પડકારો ઝેલી રહ્યા છે. ભારત માટે આજનો દિવસ સુવર્ણ જોવા મળી રહ્યો છે. કારણ કે આજે ૧૯મી એશિયન ગેમ્સમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ મળ્યો છે.
૧૯માં એશિયન ગેમ્સમાં ભારતને આજે પહેલો ગોલ્ડ મળ્યો છે. પુરુષોની ૧૯ મીટર એર રાઈફલ સ્પર્ધામાં એશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રાંક્ષ પાટિલ અને દિવ્યાંશ પવારની ત્રિપુટીએ આ ગોલ્ડ મેડલ ભારતને નામે કર્યો. આ ત્રિપુટીએ ૧૮૯૩.૭ અંક મેળવ્યા અને ટોપ પર રહી.
ભારતને ત્યારબાદ વધુ એક મેડલ મળ્યો. રોઈંગની મેન્સ-૪ સ્પર્ધામાં જસવિંદર, આશીષ, પુનિત અને આશીષે બ્રોન્ઝ જીત્યો. રોઈંગમાં ભારતના બલરાજ પંવાર મેડલથી ચૂકી ગયા. મેન્સ સિંગલ્સમાં સ્કલ્સ ફાઈનલમાં બલરાજ ચોથા નંબર પર રહ્યા. ચીનને આ ઈવેન્ટમાં ગોલ્ડ, જાપાનને સિલ્વર, અને હોંગકોંગે બ્રોન્ઝ મેડલ જીત્યો.
ભારતે ૧૯મી એશિયન ગેમ્સમાં પહેલા દિવસે ૫ મેડલ મેળવ્યા હતા. જેમાં મેહુલી ઘોષ, આશી ચોક્સે, અને રમિતા જિંદાલે ૧૦ મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શુટિંગ)માં સિલ્વર મેડલ, અર્જૂન લાલ જાટ અને અરવિંદ સિંહે મેન્સ લાઈટવેટ ડબલ સ્કલ્સ (રોઈંગ)માં સિલ્વર, બાબુલાલ અને લેખ રામે મેન્સ કોક્સલેસ ડબલ્સ (રોઈંગ)માં બ્રોન્ઝ, મેન્સ કોક્સ્ડ ૮ ટીમ (રોઈંગ)માં સિલ્વર, રમિતા જિંદાલે વુમન્સ ૧૦ મીટર એર રાઈફલ (શુટિંગ)માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
ચીનના હોંગઝોઉમાં આ એશિયન ગેમ્સમાં ભારતે કુલ ૬૫૫ ખેલાડીઓને ભાગ લેવા મોકલ્યા છે. આ એશિયન ખેલોમાં દેશનું અત્યાર સુધીનું સૌથી મોટું દળ છે. ભારતીય ખેલાડીઓ કુલ ૪૦ સ્પર્ધાઓમાં પડકાર ફેંકી રહ્યા છે. ભારતની મહિલા અને પુરુષ ક્રિકેટ ટીમો પણ આ વખતે ગેમ્સમાં ભાગ લઈ રહી છે. અત્રે જણાવવાનું કે મહિલા ક્રિકેટ ટીમનું નેતૃત્વ સ્મૃતિ મંદાના કરી રહી છે. જેણે ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે. જ્યારે પુરુષ ટીમનું નેતૃત્વ ઋતુરાજ ગાયકવાડ પાસે છે.