
હેરી બ્રૂકની વર્લ્ડ કપ ટીમમાં મળી જગ્યા, 2019માં ચેમ્પિયન બનાવનાર બેટ્સમેનને ઈંગ્લેન્ડે કર્યો બહાર
ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડે વર્લ્ડ કપ 2023 માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. જેસન રોયને આ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. 7 ઇનિંગ્સમાં તેણે 115ના સ્ટ્રાઇક રેટથી 443 રન બનાવ્યા. જેમાં એક સદી અને 4 અડધી સદી સામેલ છે. ટીમને ચેમ્પિયન બનાવવામાં રોયે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વખતે તેને પ્રારંભિક વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તેને પડતો મૂકવામાં આવ્યો છે. રોયે 2019માં ટાઈટલ જીત્યા બાદ ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ વનડે રમી છે.
જેસન રોયની જગ્યાએ હેરી બ્રુકને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વિસ્ફોટક મિડલ ઓર્ડર બેટ્સમેન બ્રુકને વર્લ્ડ કપની ટીમમાં સામેલ ન કરવાને લઈને ઘણો હોબાળો થયો હતો. જેસન રોય પીઠની ઈજાને કારણે આ મહિને ન્યુઝીલેન્ડ સામેની ચાર મેચોની શ્રેણી ચૂકી ગયો હતો, જેના કારણે તેની પસંદગી અંગે શંકા ઉભી થઈ હતી. જોકે, બ્રુકની વનડે કારકિર્દી કંઈ ખાસ રહી નથી. 6 મેચમાં તેણે 20ની એવરેજ અને 80ની સ્ટ્રાઈક રેટથી 123 રન બનાવ્યા છે. આમાં માત્ર એક જ ઇનિંગ 80 રનની છે.
ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર છે. હાલમાં ODIની સાથે સાથે T20 વર્લ્ડ કપની ટ્રોફી પણ ઈંગ્લેન્ડ પાસે છે. તાજેતરમાં જ તેણે ન્યૂઝીલેન્ડને ODI સીરીઝમાં સરળતાથી હરાવ્યું છે. બેન સ્ટોક્સની વાપસીથી ઈંગ્લેન્ડની ટીમ મજબૂત બની છે. ઈંગ્લેન્ડે વર્લ્ડ કપ 2023માં માત્ર શરૂઆતની મેચ રમવાની છે. ટીમ 5 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે.
વર્લ્ડ કપ 2023 માટે ઈંગ્લેન્ડની ટીમ: જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, ગુસ એટકિન્સન, જોની બેરસ્ટો, હેરી બ્રૂક, સેમ કુરાન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રાશિદ, જો રૂટ, બેન સ્ટોક્સ, રીસ ટોપલી, ડેવિડ વિલી. માર્ક વુડ, ક્રિસ વોક્સ.