
બરોડાના સ્પિન બોલર સામે ઓસ્ટ્રેલિયાની નેટપ્રેક્ટિસ યોજાઇ
ભારત સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ટેસ્ટ શ્રેણી અગાઉ ઓસ્ટ્રેલિયાએ અલૂરમાં ચાર દિવસના નેટ પ્રેક્ટિસ સેશનની તૈયારી શરૂ કરી છે.જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતના સ્પિનર અશ્વિનનો સામનો કરવા માટે ભારતના જ બોલરોનો સહારો લીધો છે.જેમાં બરોડાના રાઈટ આર્મ ઓફ સ્પિનર મહેશ પિઠીયાને બેંગાલુરુના અલૂરમાં ચાલી રહેલા નેટ પ્રેક્ટિસ સેશનમાં બોલાવ્યો છે અને તેની સામે સ્ટીવ સ્મિથ તેમજ લાબુશેન સહિતના બેટસમેનોએ લાંબાસમય સુધી પ્રેક્ટિસ કરી છે.આમ જુનાગઢમાં જન્મેલા મહેશ પિઠીયાએ બરોડા તરફથી 4 ફર્સ્ટક્લાસ મેચમાં 8 વિકેટ લીધી છે.મહેશની સાથે રણજી ટ્રોફીમાં 32 વિકેટ ઝડપનારા જમ્મુ-કાશ્મીરના સ્પિનર અબીદ મુસ્તાકને પણ ઓસ્ટ્રેલિયાએ તેના નેટ પ્રેક્ટિસ સેશન માટે બોલાવ્યો છે.આ ઉપરાંત લેફ્ટ આર્મ સ્પિનર શશાંક મલ્હોત્રા તેમજ થ્રો-ડાઉન બોલર ખલીફ શરિફ પણ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને સ્પિન બોલિંગનો સામનો કરવા માટે તૈયાર કરી રહ્યા છે.આ સિવાય ઓસ્ટ્રેલિયાએ ભારતીય સ્પિનર અક્ષર પટેલની બોલિંગના વિડિયોનો પણ ગહન અભ્યાસ કર્યો છે.