વધુ બધું ખોટું
વધુ વરસાદ આવે, તો તેને લીલો દુષ્કાળ કહેવાય અર્થાત્ તે પણ દુષ્કાળ જ છે. તેમ આહાર કે વિહારની કોઈપણ પ્રવૃત્તિ ગમે તેટલી સારી હોય તો પણ તે પાચન શક્તિ કે શરીર શક્તિથી વધુ થાય તો તે નુકશાનકારક જ છે, તે લીલો દુષ્કાળ બરાબર જ છે.
આયુર્વેદ સંયમમાં માને છે. નિગ્રહ સહેલો છે. સંયમ અઘરો છે. મારું છે, મારી માલિકીનું છે, હું જ્યારે ઈચ્છું ત્યારે તેનો ઉપયોગ કરી શકું છું છતાં કાબુ રાખવો તેનું નામ સંયમ. આપણું મન માંકડા જેવું છે તરતજ બધું જ લઈ લેવાની જે વૃત્તિ છે તે શરીર અને મનની બીમારી લાવે છે. આહાર હોય કે વિહાર હોય, ફળફળાદી હોય કે ઊંઘ હોય, વિચાર હોય કે વ્યાયામ હોય બધુંજ પ્રમાણમાં હોય તો જ તંદુરસ્તી પ્રાપ્ત થાય અન્યથા બીમારી.
ગાયનું ગોબર જમીન ઉપર પડ્યા પછી તેને લેવા જાઓ એટલે સાથે માટી આવવાની જ. સારામાં સારો, ઉત્તમોત્તમ ખોરાક હોય પરંતુ ભૂખથી વધુ ખવાય ત્યારે તેનાથી શક્તિ આવવાને બદલે, ધાતુઓ પુષ્ટ થવાને બદલે અશક્તિ અને ધાતુક્ષય લાવે છે.
પાણીનું બીજું નામ જ જીવન છે. પાણી વિના જીવન સંભવિત જ નથી પરંતુ તે જ પાણી પછી ભલે ને તે ગંગાજળ હોય તો તે પણ વધુ માત્રામાં લેવામાં આવે, પ્યાસ વિના પીવામાં આવે, સવારમાં તરસ વિના વધુ પાણી પીવાની ખોટી માન્યતામાં આવી જઈને વધુ પાણી પીવામાં આવે ત્યારે ઝાડા, તાવ, શરદી કે મધુમેહ પણ ચોક્કસથી આવી જાય છે.
વધુ ઊંઘવાથી વધુ શક્તિ આવે તે ધાતુક્ષય, ઓજક્ષયના દરદીને ક્યારેક યોગ્ય છે. ખાઈ – પી ને દરરોજ નિરાંતે ઊંઘવાવાળાને ભગવાન તેનું ખાધેલું કેટલોક સમય જરૂર પચાવશે.
પરંતુ આ માણસ આળસુ બની જશે તો તેની પાસે આમદોષ, હૃદયરોગ આવશે તેથી તેની આળસ ભગાવવા માટે તેને પહેલાં ઝાડા, અપચો, ખોટી એસિડિટી, તાવ જેવા રોગો થશે અને આટલાથી સમજીને માણસ આળસ ભગાડીને નિયમિત વ્યાયામ કરશે, ઓછું ભોજન કરશે તો ચોક્કસથી ભવિષ્યમાં થનારા મોટા રોગોથી દૂર રહેશે.
વ્યાયામ પણ શરીરની અર્ધી શક્તિ વપરાય ત્યાંસુધી જ કરવો જોઈએ અર્થાત્ એટલો તો વ્યાયામ કરવો જ જોઈએ. આપણા શરીરની ભગવાને એવી તો સરસ રચના કરી છે કે, ધીરેધીરે વ્યાયામ વધારતા જવામાં આવે તો… શરીરની શક્તિ પણ ધીરેધીરે વધતી જાય.. તેથી આજના સમયમાં કેટલાક ઉદા: જોવા મળે છે કે, 85 વર્ષ ની ઉંમરે દોડવાનું ચાલુ કર્યું તો.. 42 કી.મી ની મેરેથોન પણ તેઓ પૂરી કરી શક્યા.
પરંતુ શક્તિ ધીરેધીરે આવે તેમ શ્રમ – વ્યાયામ પણ ધીરેધીરે વધારવો જોઈએ. એકી સાથે એકદમ વધુ વ્યાયામ કરવામાં આવે અને સંયમનો અભાવ હોય તો…તે વધુ પ્રમાણમાં કરેલા વ્યાયામથી ક્ષય અને શોષ થઈ જશે.