આરોગ્ય સંહીતા : અલ્ઝાઇમર્સની સાત અવસ્થા
અલ્ઝાઇમર્સના લક્ષણો એક દમ સામે આવતા નથી તેથી શરુઆતના તબકકામાં તેની ઓળખ કરવી મુશ્કેલ છે. કેટલીયે વાર આ બીમારી તેના અંતિમ તબકકામાં પ્રવેશી ચૂકી હોય છે. ત્યારે દર્દીની માનસિક હાલત અત્યંત ખરાબ થઇ ગઇ હોય છે. એવામાં આની સારવાર કરવી મુશ્કેલ હોય છે. (૧) જો આ બીમારીની સમસ્યા થોડાં દિવસો પહેલા થઇ હશે તો તેના લક્ષણો સ્પષ્ટ દેખાતાં નથી, ફકત પીઇટી સ્કેન દ્વારા આ પહેલા તબકકાની સમસ્યાની જાણકારી મળી શકે છે કે અલ્ઝાઇમર છે કે નહી. (ર) આના બીજા તબકકામાં પણ દર્દીમાં કોઇ ખાસ પરિવર્તન જોવા મળતું નથી, પરંતુ નાની-નાની બાબતોમાં પરિવર્તન આવી જાય છે, જેને ડોકટર પણ પારખી શકતા નથી. કોઇ શબ્દ ભૂલી જવા, વસ્તુઓને મૂકીને પછી ભૂલી જવું, આ જાતના લક્ષણો તો ઉંમર વધતાં જોવા મળે છે. પરંતુ તેનાથી એ સ્પષ્ટ નથી થતું કે દર્દીને અલ્ઝાઈમર છે કે નહી.
(૩) આના ત્રીજા તબકકામાં દર્દીની વૈચારિક શકિત પર પ્રભાવ પડે છે. આના લક્ષણ આ પ્રકારનાં હોઇ શકે છે. થોડીવાર પહેલા જ વાંચેલું યાદ ન રહેવું, એક પ્રશ્ન વારંવાર પૂછવો, કોઇ કામનું આયોજન કરવું હોય તો ગતાગમ ન પડવી, નવા લોકોને મળ્યા પછી તેમના નામ ભૂલી જવા. (૪)ત્રીજા તબકકાના લક્ષણો ચોથા તબકકામાં થોડા વધારે ગંભીર રૂપ ધારણ કરે છે. વિચારવાની અને દલીલ કરવાની ક્ષમતા ઉપર વિશેષ અસર જોવા મળે છે. તે સાથે બીજી નવી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે. પોતાના વિશેની જાણકારી પોતે જ ભૂલી જાય છે. તારીખ, વાર, મોબાઇલ નંબર વગેરે યાદ રાખવામાં તકલીફ પડે છે. કયો મહિનો ચાલે છે તે ખબર નથી પડતી. દુકાનદારને કેટલા રૂપિયાની નોટ આપી તે યાદ રહેતુ નથી. હોટલમાં મેનુને જોઇને કઇ ડિશનો ઓર્ડર આપવો તેની સૂઝ પડતી નથી.
(૫) પાંચમાં તબકકામાં દર્દી પોતાની સાથે સંકળાયેલી બાબતો ગંભીર રીતે ભૂલી જાય છે. તે કયાં છે, શા માટે તે અહીં આવ્યો છે, કેટલો સમય થયો છે, નાનપણમાં કઇ શાળામાં શિક્ષણ લીધું હતું તે બધુ યાદ કરતાં ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે. બેંકમાં વારંવાર આવવા છતાં કેશ કયાંથી મળે છે અથવા ચેક કઇ બારીએ આપવો તે ભૂલી જાય છે. કઇ ઋતુમાં કયા કપડાં પહેરવા તે વિશે પણ દ્વિધા અનુભવે છે. (૬) અલ્ઝાઇમરની સમસ્યા જેમ જેમ વકરતી જાય છે તેમ તેમ દર્દીને લોકોના ચહેરા તો યાદ હોય છે પરંતુ નામ ભૂલી જાય છે. નામ નહીં યાદ આવતાં વાતચીતની પ્રક્રિયા લાંબો સમય ચાલતી નથી. આવા દર્દીઓને સંગીત સાંભળવું, જૂના ફોટા જોવા કે વાંચવું વધારે પસંદ પડે છે. (૭) આ અંતિમ તબકકો સૌથી ગંભીર તબકકો માનવામાં આવે છે. નાની-નાની વાતો જેમ કે ખાવું, ઉઠવું,ચાલવું, બેસવું વગેરે ભૂલી જાય છે. આ તબકકામાં દર્દીને પાતળો આહાર આપવો જોઇએ અથવા નરમ ખાદ્ય પદાર્થો કે જે ને ચમચા વડે ખવડાવી શકાય. આ તબકકામાં દર્દીને મોટે ભાગે તરસ લાગી છે તે પણ ભૂલી જાય છે.