
હિંમતનગર શહેરમાં યુવક દાંડીયાત્રા ભાજપ વિરોધ સૂત્રોચ્ચાર ફરી
આમ આદમી પાર્ટી દ્વારા જ્ઞાન સહાયક પ્રોજેક્ટ બંધ કરીને કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે યુવા અધિકાર યાત્રા દાંડીથી નીકળીને ગત મોડી સાંજે હિંમતનગરમાં આવી પહોંચી હતી. જે શહેરના વિવિધ માર્ગો પર સુત્રોચ્ચાર કરતી વિવિધ માર્ગો પર પોણા બે કલાક ફરી હતી અને જૂની સિવિલ સર્કલ પાસે પૂર્ણ થઇ હતી. આજે સવારે હિંમતનગરથી પ્રાંતિજ બાદ માણસા થઈને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પહોંચ્યા બાદ સાબરમતી ખાતે પૂર્ણ થશે.આ અંગેની વિગત એવી છે કે, આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ગુજરાત પ્રદેશના નેતાઓએ રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતી શરૂ કરવામાં આવે અને જ્ઞાન સહાયક પ્રોજેક્ટ રદ કરવાની માંગણી સાથે 13 ઓક્ટોમ્બરે દાંડીથી નીકળેલી યુવા દાંડીયાત્રા ગુરુવારે મોડી સાંજે હિંમતનગરના સહકારી જીન ખાતે આવી પહોંચી હતી.યુવરાજસિંહ જાડેજા સાથે દાંડીથી જોડાયેલા કાર્યકરો અને હિંમતનગરના સ્થાનિક કાર્યકરો આ પદયાત્રામાં જોડાયા હતા. જે એ-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનંતેશ્વર મહાદેવ થઈ છાપરીયા ચાર રસ્તા, મહાવીરનગર ચાર રસ્તા, રેલવે ઓવરબ્રીજ થઈને બી-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રવેશી હતી. જ્યાં ટાવર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અને જૂની સિવિલ સર્કલ પાસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી સુત્રોચ્ચાર કર્યા હતા.
હિંમતનગર સહકારી જીનથી જૂની સિવિલ સર્કલ સુધી પદયાત્રા સ્વરૂપે સુત્રોચ્ચાર કરી કાયમી શિક્ષકોની માગ સાથે માર્ગો પર ફરી હતી. આ યુવા દાંડી યાત્રા પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી નિર્મલસિંહ પરમાર, જિલ્લા પ્રભારી નરેન્દ્રસિંહ પરમાર અને જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ પરમાર સાથે જિલ્લાના પૂર્વ હોદ્દેદારો અને યુવાન કાર્યકરો જોડાયા હતા.હિંમતનગરની જૂની સિવિલ સર્કલ પાસે યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ યુવા દાંડી પદયાત્રા 13 સપ્ટેમ્બરે શરુ થઇ હતી. જે સાત દિવસ દરમિયાન આદિવાસી વિસ્તાર સહિત ગુજરાતના જિલ્લાઓમાં ફરીને હિંમતનગર આવી પહોંચી છે. આવતીકાલે સવારે હિંમતનગરથી પ્રાંતિજ થઈને માણસા બાદ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોચશે. ત્યાર બાદ સાબરમતી ગાંધીઆશ્રમ ખાતે પૂર્ણ થશે.