
હાથમતી વિયરમાંથી કેનાલમાં પાણી છોડાયું
હાથમતી જળાશયમાંથી 45 કિમી નદીમાં થઈને સિંચાઈનું પાણી હિંમતનગરના હાથમતી વિયરમાં 24 કલાકે પહોચ્યું હતું. જ્યાંથી બ અને ક ઝોન માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. જે પાણી આજે બપોર બાદ બ અને ક ઝોનના ખેડૂતોના ખેતરે પહોંચશે. સાબરકાંઠા જિલ્લાના હાથમતી જળાશયમાંથી રવી સીઝનમાં સિંચાઈ માટે 200 ક્યુસેક પ્રથમ પાણી અ,બ અને ક ઝોન માટે છોડવામાં આવ્યું હતું. જ્યારે બ અને ક ઝોન માટે નદીમાં થઈને પાણી આવતા હિંમતનગરમાં હાથમતી વિયરમાં 24 કલાકે 45 કિમી નદીમાં થઈને પાણી આવી પહોચ્યું હતું.ત્યાર બાદ હાથમતી વિયરમાંથી બ અને ક ઝોનના પ્રાંતિજ, દહેગામ અને ગાંધીનગર જિલ્લાના 2100 ખેડૂતોને રવી સીઝનમાં સિંચાઈ માટે કેનાલમાં રવિવારે સવારે 150 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જે પાણી 30 કલાકે સોમવારે બપોર બાદ ખેડૂતોના ખેતરે કેનાલ થકી પહોંચશે.
આ અંગે હિંમતનગર સિંચાઈ પેટા વિભાગ કચેરીના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર ડી.કે.પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાથમતી જળાશયમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું હતું. જે પાણી નદીમાં થઈને 24 કલાકે હિંમતનગરમાં હાથમતી વિયરમાં પહોંચતા વિયરમાં 8 ફૂટ પાણી ભરાયું હતું.ત્યાર બાદ રવિવારે સવારે 8 વાગે ઇલેક્ટ્રિક પાંચ દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા હતા. જેથી હાથમતી કેનાલમાં પાણી શરૂ કરાયું હતું. સોમવારે સવારે પ્રાંતિજ ઓરાણ સુધી કેનાલમાં પહોચ્યું છે. બપોર બાદ ગાંધીનગર અને દહેગામ તાલુકાના ખેડૂતોના ખેતરે પહોચશે. 150 ક્યુસેક પાણી બ અને ક ઝોનના 2100 ખેડૂતોની રવી સીઝનમાં સિંચાઈ માટે છોડવામાં આવ્યું છે.હાથમતી વિયરમાંથી રવી સીઝન માટે બ અને ક ઝોનના ખેડૂતો માટે હાથમતી કેનાલમાં 150 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને હિંમતનગરના કેનાલ ફ્રન્ટની સુંદરતામાં વધારો થયો છે. શહેરજનોને નવેમ્બર 2023થી સમયાંતરે 15 માર્ચ 2024 સુધી કેનાલમાં પાણી વહેતું જોવા મળશે.હિંમતનગરના હાથમતી વિયરમાં પાણી ભરાયા બાદ સિંચાઈ માટે પાણી કેનાલમાં છોડવા માટે પાંચ ગેટ છે. જ્યાં ગેટ પર પાંચ દરવાજા આવેલા છે. જે દરવાજા ખોલવા માટે પહેલા બેથી ત્રણ માણસોની જરૂર પડતી હતી. હાથેથી દરવાજા ખોલવા અને બંધ કરવામાં હાલાકી પડતી હતી. જેને લઈને સિંચાઈ વિભાગ દ્વારા દરવાજાને મોટર લગાવી દેવામાં આવી છે. જેથી સ્વીચ પાડો એટલે જેટલો દરવાજો ખોલવો અને બંધ કરવો હોય તે સરળતાથી કરી શકાય છે.આ અંગે હિંમતનગર સિંચાઈ પેટા વિભાગ કચેરીના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર ડી.કે.પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાથથી ગેટના દરવાજા પાણીના પ્રવાહમાં બંધ કરવા કે ખોલવા માટે ભારે હાલાકી પડતી હતી. જેથી ચોમાસા પહેલા અંદાજીત સાડા ત્રણ લાખના ખર્ચે તમામ ગેટના દરવાજા પર ઇલેક્ટ્રિક મોટર લગાવી દેવામાં આવી છે. જેથી હવે એક વ્યક્તિ દ્વારા કામગીરી થઇ શકે છે.