
હાથમતી અને હરણાવમાં પાણીની આવક બંધ થઇ
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 48 કલાકથી વરસાદે વિરામ લીધો છે. ત્યારે આજે વહેલી સવારથી જ આકાશ વાદળોથી ઘેરાયું છે. જેને લઈને વરસાદની શક્યતા સેવાઈ રહી છે. બીજી તરફ હાથમતી અને હરણાવ જળાશયમાં પાણીની આવક બંધ થઇ છે. તો બાકીના જળાશયમાં પાણીની આવક ચાલુ છે.એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ હાલમાં થઇ રહ્યો છે. ત્યારે છેલ્લા બે દિવસથી વરસાદે સાબરકાંઠા જિલ્લામાં વિરામ લીધો છે. ક્યાંય વરસાદ નોંધાયો નથી. જિલ્લામાં ચોમાસાની સીઝનનો 98 ટકા વરસાદ નોંધાયો છે. બીજી તરફ શનિવારે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને આકાશ વરસાદી વાદળોથી ઘેરાયું છે. જેને લઈને વરસાદ વરસવાની શક્યતા જણાઈ રહી છે.
સાબરકાંઠા જિલ્લામાં પાંચ દિવસ દરમિયાન વરસાદ વરસવાને લઈને જળાશયોમાં પાણીની આવક શરુ થઇ હતી. જેને લઈને ખાલીખમ જળાશયમાં પાણીની આવક થતા એક જળાશય 90 ટકાથી વધુ ભરાયું છે. તો બાકીના જળાશય 50 ટકાથી વધુ ભરાયા છે. બે દિવસથી વરસાદ બંધ થવાને લઈને પાણીની આવકમાં ઘટાડો થયો હતો અને શનિવારે 48 ટકા ભરાયેલો હાથમતી જળાશય અને 91 ટકા ભરાયેલો હરણાવ જળાશય બંનેમાં પાણીની આવક બંધ થઇ છે. 53 ટકા ભરાયેલા ગુહાઈ જળાશયમાં 82 કયુસેક અને 100 ટકા ભરાયેલા જવાનપુરા બેરેજમાં 180 કયુસેક પાણીની આવક ચાલી રહી છે.