
બાઇક ઉપર જઇ રહેલા વડવાસાના પતિ-પત્નીનુ અકસ્માતમાં મોત
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઓરાણ પાટીયા પાસે કાર ચાલકે બાઇક ચાલકને પાછળથી ટક્કર મારતા બાઇક ઉપર જઇ રહેલ વડવાસાના પતિ-પત્નીને જીવલેણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા. પણ સારવાર મળે તે પહેલા જ બંનેનુ મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે આઠ પ્રાંતિજના ઓરાણ પાટીયા પાસે અમદાવાદ તરફથી હિંમતનગર તરફ જતી કારના ચાલકે આગળ જઇ રહેલ બાઇકને પાછળથી ટક્કર મારતા બાઇક ઉપર જઇ રહેલા પ્રાંતિજના વડવાસાના પતિ-પત્નીને ગંભીર ઈજાઓ થવા પામી હતી. બીજી તરફ અકસ્માતને લઈને લોકોના ટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ગંભીર ઈજાગ્રસ્ત પતિ પત્નીને નેશનલ હાઇવેની એમ્બ્યુલન્સમાં પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા. પણ સારવાર મળે તે પહેલાજ વડવાસાના બાઇક ચાલક રામાજી મોહનજી મકવાણા તથા તેના પત્ની કલીબેન મકવાણાનું મોત નિપજ્યું હતું. તો અકસ્માતને લઈને પ્રાંતિજ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રોડ ઉપર થયેલો ટ્રાફિક દુર કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથધરી હતી. પતિ-પત્નીનું અકસ્માતમાં કમકમાટી ભર્યું મોતના સમાચારથી વડવાસામાં શોકનુ મોજુ ફરી વળ્યું હતું.