
સાબરકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠમાંથી ત્રણ તાલુકામાં કમોસમી વરસાદ નોધાયો છે. પ્રાંતિજ, તલોદ અને પોશીનામાં રાત્રિ દરમિયાન કમોસમી વરસાદ નોંધાયો છે. ત્યારે સતત ત્રીજા દિવસે જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે જેને લઈને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, કમોસમી વરસાદની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં 17 માર્ચને શુક્રવારે કમોસમી વરસાદની શરૂઆત થઇ હતી અને આઠમાંથી પાંચ તાલુકામાં જેમાં ખેડબ્રહ્મા, તલોદ, પ્રાંતિજ, વિજયનગર અને હિંમતનગર તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ 18 માર્ચને શનિવારે જિલ્લામાં સર્વત્ર કમોસમી વરસાદ નોંધાયો હતો અને 3 મીમીથી લઈને 47 મીમી સુધી વરસાદ વરસ્યો હતો. 19 માર્ચના રોજ રવિવારે સાંજે અને રાત્રિ દરમિયાન આઠમાંથી ત્રણ તાલુકામાં જેમાં પ્રાંતિજ, તલોદ અને પોશીનામાં વરસાદ નોધાયો છે.
આમ ત્રણ દિવસમાં સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકામાં જેમાં ઇડરમાં 20 મીમી, ખેડબ્રહ્મામાં 4 મીમી, તલોદમાં 29 મીમી, પ્રાંતિજમાં 19 મીમી, પોશીનામાં 09 મીમી, વડાલીમાં 8 મીમી, વિજયનગરમાં 32 મીમી અને હિંમતનગરમાં 57 મીમી કમોસમી વરસાદ નોધાયો છે. ત્રણ દિવસ સૌથી વધુ હિંમતનગર તાલુકામાં અને સૌથી ઓછો ખેડબ્રહ્મા તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે.
વરસાદને લઈને ખેડૂતોના ખેતરમાં ઘઉંના ઉભા પાકને નુકસાન થયું છે. તો તમાકુ, ચણા સહિતના વિવિધ પાકોને પણ લેવાના સમયે કમોસમી વરસાદથી નુકશાન થયું છે. જેને લઈને ખેડૂતો પણ હવે તાત્કાલિક સર્વે થાય અને નુકસાનનું વળતર મળે તેની રાહ જોઇને બેઠા છે.