હિંમતનગરમાં કેન્દ્રીયમંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારની અધ્યક્ષતમાં કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મોતીપુરા વિસ્તારની બહેરા મુંગા શાળામાં કેન્દ્રીય મંત્રી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના ડૉ. વીરેન્દ્રકુમારની અધ્યક્ષતામાં નિ:શુલ્ક દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાયો હતો. જેમાં હિંમતનગરમાં 1215 લાભાર્થીઓને રૂ. 1.28 કરોડના 22 પ્રકારના વિવિધ સાધનોનું વિતરણ કરાયું હતું. તો જિલ્લામાં છ દિવસ દરમિયાન 6 સ્થળે 3047 લાભાર્થીઓને 3.47 કરોડની સાધનો આપવામાં આવશે. જ્યારે આજે સમગ્ર દેશના 20 સ્થળો ઉપર નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાયો હતો.ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની એડીપી યોજના હેઠળ ભારતીય કૃત્રીમ અંગ નિર્માણ નિગમ (એલીમ્કો)ભારત સરકારનું સાર્જનિક ક્ષેત્રનું સાહસ છે. જે દિવ્યાંગ લોકો માટે કૃત્રિમ અંગો અને દિવ્યાંગતામાં સહાયક બને તેવા સાધનોનું નિર્માણ કરવાનું કાર્ય કરે છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં એલીમ્કો અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કૂલ 15 મૂલ્યાંકન કેમ્પો કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત કુલ 3047 દિવ્યાંગજનો હાજર રહ્યા હતા. તેમની દિવ્યાંગતા પ્રમાણે વિવિધ સાધન સહાય મંજૂર કરવામાં આવ્યા હતા. જે માટેનો શનિવારે વિતરણ કેમ્પ યોજાયો હતો.

 


આ કાર્યક્રમમાં સાધન સહાય વિતરણ કેમ્પમાં કેન્દ્રીયમંત્રી વીરેન્દ્રકુમારે જિલ્લાવાસીઓને કેમ છો..મજામાં છો.. ગુજરાતી નથી આવડતું પણ પ્રયત્ન કરું છુ કહી સંબોધન કર્યું હતું કે, રાષ્ટ્રના વિકાસમાં તમામ વર્ગોનો સહિયારો સાથ રહ્યો છે. દિવ્યાંગ લોકોમાં અપાર શક્તિ સાથે કૌશલ્ય છુપાયેલુ હોય છે. આ શક્તિને બહાર લાવવા સૌ કોઈએ સાથે મળી પ્રયત્ન કરવા જોઈએ. નવીન સાધન સહાય દિવ્યાંગજનોની દિવ્યાંગતામાં મદદરૂપ સાબિત થશે. આ સાધન સહાય થકી દિવ્યાંગજનો આત્મ સ્વાવલંબી બન્યા છે. આત્મનિર્ભર દિવ્યાંગજન થકી સમાજ સાથે દેશ પણ આત્મનિર્ભર બન્યો છે. સુગમ્ય ભારત અભિયાન અંતર્ગત વિકલાંગ વ્યક્તિઓના સામાજિક-આર્થિક પરિવર્તન પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા સાથે, ભારત સરકાર સાર્વત્રિક સુલભતા માટે મોટા પાયે જાગૃતિ લાવવાના પ્રયાસો કરી રહી છે. સુલભ ભૌતિક વાતાવરણ, પરિવહન, માહિતી અને સંચાર ઇકોસિસ્ટમ વિકસાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.આ કેમ્પ આગામી 30 નવેમ્બર સુધી જિલ્લાના કુલ 6 તાલુકાના વિવિધ સ્થળોએ વિતરણ કાર્યક્રમ યોજાશે. સમગ્ર જિલ્લાના 3047 લાભાર્થીઓને કુલ રૂ.3.47 કરોડની કીટોનું વિતરણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હિંમતનગર ખાતે શનિવારે યોજાયેલા કાર્યક્રમમાં કુલ 1215 લાભાર્થીઓને રૂ.1.28 કરોડના 22 પ્રકાર વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યક્રમ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠા અને જી.એમ.ઇ.આર.એસ હોસ્પીટલ દ્વારા જે દિવ્યાંગજનો પાસે દિવ્યાંગતા અંગેનું ડૉક્ટરી પ્રમાણપત્ર નથી તેમને સ્થળ પર પ્રમાણપત્ર મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.