સાબરકાંઠા જિલ્લામાં વડાલીમાં પોણા બે ઇંચ, ઇડર અને વિજયનગરમાં પોણો-પોણો ઇંચ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર કમોસમી વરસાદ નોંધાયો હતો. તો વડાલીમા પોણા બે ઇંચ તો ઇડર અને વિજયનગરમાં પોણો-પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. આ અંગેની વિગત એવી છે કે, હવામાન વિભાગની આગાહી વચ્ચે રવિવારે મોડી સાંજે આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયા બાદ ધીરે ધીરે પવન શરુ થયો હતો. ત્યારબાદ કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા. ત્યારબાદ અચાનક ભારે પવન સાથે વાવાઝોડું ત્રાટક્યું હતું. જેને લઈને હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના તાલુકા મથક અને ગ્રામ્ય પંથકમાં વીજળી ડૂલ થઇ ગઈ હતી.

તો બીજી તરફ કેટલાક વિસ્તારમાં ઝાડ પડી જવાના બનાવો બન્યા હતા. જેને લઈને રાત્રે માર્ગો બંધ થયા હતા. એક તરફ ભારે પવન ફૂંકાયો અને બીજી તરફ ધૂળની ડમરીઓ ઉડી હતી અને વીજળી ડૂલ થઇ જતા ભારે હાલાકી પ્રજાજનો અને વાહન ચાલકોને ભોગવવી પડી હતી. વાવાઝોડું ફૂંકાતા તેનો અવાજ પણ ડરામણો લાગતો હતો. વાવાઝોડાને લઈને હિંમતનગરના બી વિશ્રામગૃહ આગળ ઝાડ પડી જતા એક તરફનો રોડ બંધ થયો હતો. તો બીજી તરફ હિંમતનગરના દેધરોટા નજીક પેટ્રોલ પંપ સામેના કાચા 8 જેટલા ઝુંપડામાં અચાનક આગ લાગી હતી. જેને લઈને તમામ કાચા ઝુંપડાઓ સળગી ગયા અને તમામની ઘરવખરી બળી ગઈ હતી.

તો આગ અંગે હિંમતનગર ફાયર વિભાગને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચીને બે કલાક પાણીનો મારો ચલાવ્યા બાદ આગ બુઝાઈ હતી. કાચા મકાનમાંથી રહેતા લોકો બહાર નીકળી જતા કોઈ જાનહાની થઇ નથી. પરંતુ ઘર વખરી બળી ગઈ હતી. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં ઇડર 17 મીમી, ખેડબ્રહ્મા 07 મીમી, તલોદ 09 મીમી, પ્રાંતિજ 05 મીમી, પોશીના 06 મીમી, વડાલી 37 મીમી, વિજયનગર 16 મીમી અને હિંમતનગરમાં 06 મીમી વરસાદ નોંધાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.