
સાબરકાંઠા જિલ્લાના રસ્તાઓ પર ટ્રાફિક જામ : પીએસઆઇ સહિત સ્ટાફે સંચાલન હાથ ધર્યું
હિંમતનગરના છાપરિયા ચાર રસ્તે આજે મોડી સાંજે ટ્રાફિક જામ થયો હતો. જેને લઈને એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારી સહિત સ્ટાફે દોડી આવી ટ્રાફિક સંચાલન કરવુ પડ્યું હતું.આ અંગેની વિગત એવી છે કે, સાબરકાંઠા જિલ્લાના છ પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં 96 ટીઆરબી જવાનો ટ્રાફિક સંચાલન કરતા હતા. હાઇકોર્ટ દ્વારા ટીઆરબી જવાનોને છૂટા કરવાના હોવાને લઈને આજે ટીઆરબી જવાનો ફરજ પર જોવા મળ્યા ન હતા. ઇડરમાં બપોરે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યાર બાદ હિંમતનગરના છાપરિયા ચાર રસ્તે સોમવારે મોડી સાંજે ટ્રાફિક જામ થયો હતો. જેને લઈને એક સ્થાનિકે પોલીસને જાણ કરી હતી અને તાત્કાલિક હિંમતનગર એ-ડિવિઝન પીઆઇ, પીએસઆઇ સહિત સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો ને ટ્રાફિકનું સંચાલન હાથ ધર્યું હતું.
આ અંગે હિંમતનગર સીટી ટ્રાફિકના પીએસઆઇ એ.બી.શાહે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંમતનગરમાં અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોઇન્ટ પર 35 ટીઆરબી જવાન ફરજ બજાવે છે જેને લઈને ટ્રાફિક સંચાલન થાય છે. આજે જિલ્લાના છ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ટીઆરબી જવાન ફરજ પર આવ્યા ન હતા.