
હિંમતનગર માર્કેટયાર્ડ અને કોટન માર્કેટયાર્ડમાં ચાર દિવસ ખરીદી-વેચાણ બંધ રહેશે
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલા માર્કેટયાર્ડ અને કોટન માર્કેટ માર્ચ એન્ડીંગના કારણે ચાર દિવસ બજાર બંધ રહેશે અને ખરીદી-વેચાણ પણ નહિ થાય. તો ત્રીજી એપ્રિલથી માર્કેટયાર્ડ શરુ થશે તેવું માર્કેટયાર્ડ દ્વારા સુચનાઓ સાથેના ખરીદીના ભાવોના લીસ્ટ સાથે સોશિયલ મીડિયામાં વાઈરલ કરી ખેડૂતોને જાણકારી આપી છે. હિંમતનગર માર્કેટયાર્ડમાં શુક્રવારે 13145 બોરી ઘઉંની આવક થઇ છે. સતત બીજા દિવસે ઘઉંનો ભાવ રૂ. 800થી વધુ નોંધાયો છે.
આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના માર્કેટયાર્ડમાં હાલમાં ઘઉંની આવક વધુ થઇ રહી છે. તો ભાવ પણ ખેડૂતોને વધુ મળી રહ્યો છે. ત્યારે માર્ચ એન્ડીંગને લઈ તા. 30/03/2023થી 02/04/2023 સુધી માર્કેટયાર્ડ અને કોટન માર્કેટ બંધ રહેશે જેને લઈને વેપારીઓ તરફથી ખેત પેદાશનું ખરીદ-વેચાણનું કામ કાજ બંધ રાખવામાં આવશે. આ ત્રણ દિવસ દરમિયાન હિંમતનગર માર્કેટયાર્ડ અને કોટનમાર્કેટ બંધ રહેશે.
જેથી ખેડૂતભાઈઓએ યાર્ડમાં પોતાની ખેત પેદાશ વેચાણ સારું નહિ લાવવા માટે વિનંતી કરી છે અને 03/04/2023ના રોજ સોમવારથી યાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરુ થશે. જેને લઈને તમામ ખેડૂતોએ નોંધ લેવા માટે વિનંતી કરતો મેસેજ યાર્ડ દ્વારા ખેત પેદાશોના બજાર ભાવો સાથે લખીને આ મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે.
આ અંગે હિંમતનગર માર્કેટયાર્ડના મેનેજર મણી પટેલે જણાવ્યું હતું કે, હાલમાં ઘઉંની આવક વધી છે. તો સૌથી વધુ હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંના પ્રતિ 20 કિલોના રૂ. 836 પણ ખેડૂતોને મળ્યા છે. ત્યારે માર્ચ એન્ડીંગના કારણે હિસાબની કામગીરીને લઈને 30માર્ચથી 2 એપ્રિલ સુધી માર્કેટયાર્ડ અને કોટન માર્કેટ બંધ રહેશે. જે અંગેનો ખેડૂતોને જાણકારી માટે મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તો સતત બીજા દિવસે ખેડૂતોને ઘઉંના ભાવ પ્રતિ 20 કિલોના રૂ. 820 મળ્યા છે.
હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંની આવક ધીમેધીમે વધી રહી છે. ત્યારે ખેડૂતોને ભાવ પણ વધુ મળી રહ્યા છે. ત્યારે ગુરુવારે ઘઉંની 8355 બોરીની આવક થઇ હતી. તો પ્રતિ 20 કિલો ઘઉંના રૂ. 421થી રૂ. 836 ભાવ મળ્યો હતો. તો શુક્રવારે રૂ. 821 ભાવ મળ્યા હતા. ઘઉંની 13145 બોરીની આવક થઇ હતી અને પ્રતિ 20 કિલો ઘઉંના રૂ. 430થી રૂ. 811 ભાવ મળ્યો છે.