
વિજયનગરના પોળોમાં પ્રવાસી યુવાનનું નદીમાં ડૂબી જવાથી મોત, GRD જવાને યુવાનના મૃતદેહને શોધી કાઢ્યો
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં પોળોના જંગલમાં હાલમાં પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. ત્યારે રવિવારે આણંદના નવ મિત્રો પોળોમાં ફરવા આવ્યા હતા. જેમાંથી પાંચ મિત્રો નદીમાં નાહવા પડ્યા હતા. તે દરમિયાન એક મિત્ર પાણીમાં ગરકાવ થતાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે વિજયનગર પોલીસને સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી હતી કે આણંદમાં જકાત નાકા પાસે રહેતા નવ મિત્રો રવિવારે સવારે આણંદથી ઇકો કારમાં નીકળ્યા હતા. જે પોળોમાં આવ્યા બાદ આજુબાજુ વિસ્તારમાં ફરીને દરગાહ નજીક નદીમાં પાંચ મિત્રો નાહવા પડ્યા હતા. જેમાં 21 વર્ષીય અરસીલ સલીમભાઈ વોરા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. મિત્રો બચાવવા જતા બચાવી શક્યા ન હતા.
ત્યારબાદ બાકીના મિત્રો શારણેશ્વર મંદિર ખાતે પહોંચ્યા હતા. જ્યાં વિજયનગર પોલીસને જાણ કરી હતી. જેથી 108 અને પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. બીજી તરફ ઇડર ફાયર વિભાગને જાણ કરતા સ્થળ પર આવી હતી અને પાણીમાં ગરકાવ થયેલ અરસીલના મૃતદેહ શોધવાની કામગીરી શરુ કરી હતી, પરંતુ કોઈ ભાળ મળી ન હતી. તે દરમિયાન વિજયનગર પોલીસે સ્ટેશનમાં ફરજ બજાવતા GRD અને નજીકમાં આવેલા બંધણા ગામના સંજય કથોડીને બોલાવ્યો હતો.
ત્યારબાદ સંજય કાથોડીએ માત્ર પાંચ જ મીનીટમાં અરસીલના મૃતદેહને શોધી કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને બહાર લાવી 108માં વિજયનગર સરકારી હોસ્પીટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે વિજયનગર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે વિજયનગર પોલીસ સ્ટેશનના PSI એ.બી.ચૌધરીએ જણાવ્યું હતું કે, બપોરે દોઢ વાગે અમને જાન થયા બાદ ઇડર ફાયર વિભાગને જન કરી હતી. તો ફય વિભાગે શોધખોળ કરી હતી, પરંતુ મૃતદેહ મળ્યો ન હતો. તે દરમિયાન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા GRD સંજય કાથોડી નજીક રહેતો હોવાથી તેને બોલાવ્યો હતો. તેણે માત્ર પાંચ મિનીટમાં મૃતદેહને શોધી કાઢ્યો હતો. અગાઉ ત્રણ વર્ષ પહેલા પણ GRD જવાને મૃતદેહને શોધી કાઢ્યો હતો. જેની કામગીરીને બિરદાવી રૂ 5 હજાર રોકડ ઇનામ પણ આપ્યું હતું.