
સાબરકાંઠા જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ યોજાશે
સમગ્ર રાજ્યમાં આગામી 12, 13 અને 14 જૂન 2023ના રોજ સમગ્ર રાજયમાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાનાર છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં બાલવાટીકા, આંગણવાડી અને ધોરણ-1માં પ્રવેશપાત્ર બાળકોનું નામાકંન કરાશે. જેના સુચારૂ આયોજન અર્થે કલેક્ટર નૈમેષ દવેની અધ્યક્ષતા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ધીરુભાઈ પટેલની ઉપસ્થિતમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંગેની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. તેમજ ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2023ની ઓનલાઈન મિટિંગ યોજાઈ હતી.ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની 1219 શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં બાળકોનું નામાકંન કરાશે. જેમાં 1163 પ્રાથમિક અને 56 આશ્રમશાળાઓમાં રાજ્યકક્ષા તેમજ જિલ્લાકક્ષાના પદાધિકારીઓ અને અધિકારીઓ શાળાઓમાં ઉપસ્થિત રહી બાળકોને પ્રવેશ અપાવશે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ચાલુ વર્ષે નવી શિક્ષણનીતિ અંતર્ગત જે વિદ્યાર્થીઓ પાંચ વર્ષ પૂર્ણ થયાં હોય તેવા બાળકોને બાલવાટીકામાં પ્રવેશ મળશે. તેમજ છ વર્ષ પૂર્ણ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે. જેમાં જિલ્લાની 1219 શાળાઓમાં ધોરણ 1ના 2123 કુમાર અને 2030 કન્યા મળી કુલ 4153 બાળકોને પ્રવેશ અપાશે. જયારે બાલવાટિકામાં 13734 અને આંગણવાડીમાં કુલ 6104 બાળકોનું નામાકંન કરાવાશે. આ સમગ્ર શાળા પ્રવેશોત્સવમાં બાળકોના પ્રવેશ મહાનુભાવો અને ઉચ્ચકક્ષાના અધિકારીઓ માટે 88 રૂટ નિયત કરાયા છે.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન મિશન સ્કૂલ એક્સીલેન્સ અંતર્ગત શાળામાં થયેલ કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે. તેમજ રાજ્ય સરકાર દ્વારા ધોરણ-5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કોમન એન્ટ્રસ ટેસ્ટમાં જે વિદ્યાર્થીઓ કટ ઓફમાં હોય તો તેમનું સન્માન કરવામાં આવશે. વધુમાં શાળામાં શિક્ષણ ગુણવતાનું નિરીક્ષણ કરવામાં આવશે. આ બેઠકમાં ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા, શિક્ષણ સમિતિના ચેરમેન રમીલાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા,જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદભાઈ ચૌધરી, નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી તરૂણાબેન દેસાઈ તેમજ વિવિધ અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.