
હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે બ્રોડગેજ લાઈનનું કામ મે મહિનામાં શરુ થવાની શક્યતા
હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલ સેવા શરૂ કરવા માટે બજેટમાં નાણાની જોગવાઈ કરવામાં આવી હોવા છતાં પણ મીટર ગેજનુ બ્રોડગેજ રેલવે લાઈનમાં રૂપાંતરણ કરવા માટેની કોઈ કામગીરી કરવામાં આવી નથી. ત્યારે અમદાવાદ ખાતે પશ્ચિમ રેલવે વિભાગના ત્રણ દિવસ પહેલા શુક્રવારે અધિકારીઓ તથા ડીઆરયુસીસીના સભ્યોની બે કલાક મળેલી ચાલી હતી. જેમાં પ્રતિનીધી મંડળે હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે સેવા ઝડપથી શરૂ કરવા માટેની માંગણી કરી હતી. તો વર્ષ-2022માં NWR વિભાગ દ્વારા છ ટ્રેનોનું એજન્ડા લીસ્ટ બન્યું હતું. જેમાં દર્શાવેલી પૈકી ટ્રેનોમાંથી હાલમાં ત્રણ ટ્રેનો ચાલી રહી છે.
આ અંગે વધુમાં ખેડબ્રહ્માના સલાહકાર સમિતિના દામાવાસ સભ્ય મોહનભાઈ પટેલે રેલવેને લગતા વિવિધ રજૂઆત કરીને જણાવ્યું હતુ કે ખેડબ્રહ્મા, વડાલી, ઈડર સહિતના વિસ્તારના વિકાસમાં રેલવે ખૂબજ મહત્વની ભૂમિકા નિભાવે છે. મીટર ગેજ રેલવે લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતરણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રસ દાખવ્યો હતો. બજેટમાં નાણાની જોગવાઈ પણ કરવામાં આવી છે. પરંતુ તેમ છતા રેલવે તંત્ર દ્વારા ખુબ મંથર ગતિએ સર્વેની કામગીરી કરવામાં આવતી હોવાથી મીટર ગેજ રેલવે લાઈનના પાટા ઉખાડવામાં આવ્યા છે. પરંતુ ત્યારબાદની કોઈ નવીન કામગીરી શરૂ થઈ નથી. હિંમતનગર-ઉદેયપુર લાઈન પ્રોજેકટ ઝડપથી શરૂ થયો છે. તેવી જ રીતે ખેડબ્રહ્મા-અમદાવાદ બ્રોડગેજ રેલ્વ લાઈન સેવા ઝડપથી શરૂ કરવામાં આવે તો સ્થાનિક વિસ્તારનો વધુ વિકાસ થઈ શકશે.
મોહનભાઈ પટેલે લેખિત પાંચ પ્રશ્નોની રજૂઆત કરી હતી કે જેમાં ખેડબ્રહ્મા રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવું,ખેડબ્રહ્મા-હડાદ નવીન રેલવે લાઈન નાખવા માટેનો સર્વે કરવાનો તેમજ મંજૂરી આપવા માટેની તથા વડાલી રેલવે સ્ટેશન હાલ જૂની જગ્યાએથી બદલી કરીને ખેડબ્રહ્મા-વડાલી હાઈવે રોડ પર રેલવે ફાટક પાસે બનાવવામાં આવે. હિંમતનગરથી પુણે રેલ સેવા શરૂ કરવા માટેની પણ માંગણી કરવામાં આવી હતી. લેખિત જવાબમાં રેલવે વિભાગે હિંમતનગરથી ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલવે લાઈનનું ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ટેક્નીકલ વિભાગનું કામ ચાલી રહ્યું છે. ત્યારે મે 2023માં બ્રોડગેજનું કામ શરુ થવાની શક્યતા જણાવી હતી.
રેલવે વિભાગના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ વર્ષ 2022માં NWR વિભાગ દ્વારા અમદાવાદ સેક્શનમાં છ રેલવે શરુ કરવા એક એજન્ડા લીસ્ટ બન્યું હતું. જેમાંથી હાલમાં ત્રણ જયપુર-અસારવા,ઉદેપુર-અસારવા,ઈન્દોર-અસારવા ચાલી રહી છે. જેમાં બે ટ્રેનો દરરોજ અને એક ટ્રેન બુધવારે અને શનિવારે ચાલે છે. જયારે એપ્રુવલ લીસ્ટ મુજબ સાપ્તાહિક ટ્રેનો જેમાં ઉદેપુર-સિકન્દરાબાદ,ઉદેપુર-ચેન્નઈ અને ઉદેપુર-પુણે હજુ સુધી શરુ થઈ નથી. ત્યારે અગામી સમયમાં આ રેલવે પૈકી કોઈ પણ ટ્રેન દોડી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે.