
હિંમતનગર નગરપાલિકાના બિનહરીફ પ્રમુખે પદભાર સંભાળ્યો
હિંમતનગર નગરપાલિકાની અઢી વર્ષની મુદ્દત પુર્ણ થતાં બીજી ટર્મ માટેની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી 15 સપ્ટેમ્બર 2023ને શુક્રવારના રોજ અઘ્યાસી અધિકારી અને પ્રાંત અધિકારીના અઘ્યક્ષસ્થાને ડૉ. નલીનકાંન્ત ગાંધીનગર ટાઉન હોલમાં યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે વિમલકુમાર.એ. ઉપાઘ્યાય તથા ઉપપ્રમુખ તરીકે સવજીભાઈ જી.ભાટીની બિનહરીફ વરણી થઈ હતી. ત્યાર બાદ સોમવારે વિધિસર પાલિકાના પ્રમુખ પદનો પદભાર સંભાળ્યો હતો.સોમવારના રોજ હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ વિમાલભાઈ ઉપાધ્યાય અને ઉપપ્રમુખ સવજીભાઈ ભાટીએ પાલિકામાં લીલાતોરણિયા સાથે વાજતે ગાજતે 12.39ના શુભ મુહૂર્તમાં પ્રવેશ કરીને પ્રમુખના ચેમ્બરમાં પહોંચ્યા હતા. જ્યાં મંત્રોચ્ચાર સાથે પ્રમુખની ખુરશી વિમલભાઈ ઉપાધ્યાયે સંભાળી હતી. ત્યાર બાદ ઉપપ્રમુખ સવજીભાઈ ભાટી, કારોબરો અધ્યક્ષ જીનલ પટેલ, પક્ષના નેતા વર્ષાબેન મિસ્ત્રીને પાલિકાના સદસ્યો, કર્મચારીઓ, પરિવારજનોએ મીઠાઈઓ ખવડાવી ફુલહાર પહેરાવી અને ફુલછડી આપી શુભેચ્છાઓ આપી હતી.
આ પદભાર ગ્રહણ પ્રસંગે હિંમતનગર તાલુકાના ધારાસભ્ય વી.ડી.ઝાલા, હિંમતનગર નગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનો, સદસ્યો, વિરોધ પક્ષના નેતા, શહેર સંગઠન પ્રમુખ વાસુદેવ રાવલ, શહેર પ્રભારી નિર્ભયસિંહ રાઠોડ, શહેર મહામંત્રી જયેશભાઈ પટેલ, અનિરુદ્ધ પટેલ, હિંમતનગર નાગરીક બેંકના ચેરમેન હિરેન ગોર, સર્વોદય બેંક ચેરમેન પૂર્વ સદસ્યો, ચીફ ઓફીસર અલ્પેશભાઈ પટેલ તથા નગરપાલિકાના ખાતાના વડાઓ તેમજ કર્મચારીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.આ અંગે પ્રમુખ વિમાલભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, પરમ કૃપાળુ પરમાત્મા અને મા-બાપના અશિર્વાદથી આજરોજ હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ પદની વિધિવત શરૂઆત કરવા બદલ અત્યંત હર્ષની લાગણી અનુભવું છું. હિંમતનગર શહેરનો દરેક નાગરિક સ્વચ્છતાનો આગ્રહી બને નજીકના દિવસોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અને ચાના કોટેડપેપર કપ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાની નેમ છે. આ પવિત્ર દિવસે શ્રધેય બાજપાઈજીના શબ્દો યાદ આવે છે. પ્રમુખ પદે કોઈ અલંકારની વસ્તુ નથી, પદ નથી જવાબદારી છે, પ્રતિષ્ઠા નથી પરીક્ષા છે, સન્માન નથી પડકાર છે પણ મને વિશ્વાસ છે કે નગરજનોના સહયોગથી આ જવાબદારી વહન કરવાની ભગવાન શક્તિ આપશે.