
સાબરકાંઠા LCBની ટીમે ચોરીના મોબાઇલ સાથે શખ્સને ઝડપી લીધો
સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ઇડર બસ સ્ટેશનમાંથી મોબાઇલની ચોરી કરી એક શખ્સ હિંમતનગરના ટાવર ચોક વિસ્તારમાં વેચવા માટે ફરી રહ્યો છે. જેના આધારે પોલીસે ચોરીના મોબાઇલ સાથે શખ્સને ઝડપી લઇ ચોરીનો ભેદ ઉકલવામાં સફળતા મેળવી હતી.
આ અંગેની વિગત એવી છે કે એલસીબીની ટીમ હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન પોકો હર્ષકુમારને બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે એક શખ્સ ડાર્ક બ્લ્યુ કલરનો શર્ટ તથા લીલા કલરની પેન્ટ પહેર્યુ છે. જેને ઇડર બસ સ્ટેશનમાંથી મોબાઇલ ફોનની ચોરી કરી છે. અને ચોરી કરેલ મોબાઇલ ફોન હિંમતનગરના ટાવર ચોક પાસે વેચવાની ફિરાકમાં છે.
જેથી બાતમીના આધારે સ્થળ ઉપર જઇ તપાસ કરી પુછપરછ કરતા તેણે તેનુ નામ અરવિંદ ભુરાભાઇ હિરાભાઇ વાદી (ઉ.વ.૩૦, રહે.ટાકાટુકા બસ સ્ટેન્ડની પાસે, ભિલોડા) હોવાનું માલુમ પડ્યું હતુ. જેની તપાસ કરતા તેની પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જે મોબાઇલ ફોનના આઇએમઇઆઇ નંબર આધારે ઉપલબ્ધ સોફટવેર તથા પોકેટક્રોપની મદદથી તપાસ કરતા આ મોબાઇલ ચોરી અંગેની ફરિયાદ ઇડર પોલીસ મથકમાં નોંધાઇ હોવાનુ માલુમ પડ્યું હતુ.
પુછપરછ કરતા આ મોબાઇલ એક મહિના પહેલા ઇડર બસ સ્ટેશનમાંથી એક છેકરીની બેગમાંથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે રૂપિયા 14 હજારના મોબાઇલ સાથે અરવિંદ ભુરાભાઇ હિરાભાઇ વાદીને ઝડપી લઇ હિંમતનગર બી ડિવીઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.