
હિંમતનગર પાલિકાએ મસમોટા ખર્ચે કેનાલમાં નાખેલી પાઈપલાઈન પાણી સાથે બહાર આવી
હિમતનગરમાંથી પસાર થતી હાથમતી કેનાલમાંથી ગઈકાલે રવિવારે સાંજે વરસાદી ઝાપટું આવતાં પાલિકાએ કેનાલમાં નાખેલી પાઈપ લાઈન પાણી સાથે બહાર આવતાં કામગીરીમાં ભ્રષ્ટાચાર બહાર આવ્યાના આક્ષેપ કરાયા હતા. તો બીજી તરફ કેનાલમાં ગાબડું પડી જતાં સિંચાઈ વિભાગે પણ પાલિકાને નોટીસ આપી ગાબડું રીપેર કરવાનું જણાવ્યું હતું. તો સામે પાલિકાએ રીપેર કરાવી દઈશુંનો જવાબ આપ્યો પણ હજુ સુધી કોઈ કામગીરી ન થઇ હોવાથી ગાબડું વધુ મોટું થઇ ગયું છે. જેનાથી પાઈપ પાણી સાથે બહાર આવી ગઈ અને હાથમતી કેનાલમાં માટી ધસી પડી છે.
હિંમતનગરના છાપરીયા ચાર રસ્તે નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે અન્ડર ગ્રાઉન્ડ પાઈપ લાઈન મસ મોટો ખર્ચો કરી તૈયાર કરવામાં આવી છે. કારણ કે વરસાદી પાણીથી રોડ ના તૂટી જાય કે રોડ પર પાણી ના ભરાય તેને લઈને પાઈપ શહેરમાંથી પસાર થતી કેનાલમાં પાઈપ લાઈન કરી દીધી છે. જેથી વરસાદી પાણી સીધું કેનાલમાં પડી જાય અને પાણીનો નિકાલ થાય. ચોમાસું શરૂ થતાં જ પાલિકાની પોલ ખુલવા લાગી છે. શહેરમાં વિવિધ વિસ્તારમાં પાણી રોડ પર ભરાય છે અને પાલિકા દ્વારા તાત્કાલિક આવીને પાણી ખાલી કરવા માટે મથામણ કરવી પડે છે.