
હિંમતનગર શહેરમાં રખડતા પશુઓની સમસ્યા સામે પાલિકા એક્શનમાં આવી
વારંવાર રખડતા ઢોર રોડ પર દોડતા હોવાને લઈને રાહદારીઓને ભારે હાલાકી પડે છે તો વાહનચાલકો પણ પરેશાન થાય છે. જેને લઈને કોઈ એક્શન નહિ લેવામાં આવતા હાઇકોર્ટ દ્વારા રખડતા ઢોર પકડવાની કાર્યવાહીનો કડક અમલ કરવા સરકારને સુચના કરી હતી. જેને લઈને રાજ્યભરમાં પાલિકા એક્શનમાં આવી હતી અને રખડતા પશુઓને પકડી પાંજરા પોળ મોકલવાની કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.હિંમતનગર શહેરમાં ઠેર ઠેર રોડ પર રખડતા ઢોર દોડતા કે અડીગો જમાવી બેસેલા જોવા મળતા હોય છે. રાત્રિ દરમિયાન પણ રોડ પર બેસેલા હોય છે. જેને લઈને અકસ્માતના બનાવો બનતા હોય છે. જેને લઈને પાલિકાએ અલગ વિસ્તારમાંથી રોડ પર રખડતા ઢોરને પકડવાની ઝૂંબેશ હાથ ધરી છે. છેલ્લા ચાર મહિનામાં 170 રખડતા પશુઓને રોડ પરથી પકડીને ઇડર પાંજરા પોળમાં મોકલી આપ્યા છે.
હાઇકોર્ટની ટકોર બાદ પાલિકા એક્શનમાં આવી ગઈ છે અને મંગળવારે સવારથી પાલિકા દ્વારા રોડ પર રખડતા પશુઓ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ જોડે રહ્યા હતા. દિવસ દરમિયાન 10 જેટલા રખડતા પશુઓ પકડવામાં આવ્યા હતા. તો હિંમતનગરના ટાવર ચોકમાં રોડ પર રખડતા પશુ પકડવાની ઝૂંબેશ પાલિકાના ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી.આ અંગે હિંમતનગર નગર પાલિકાના ચીફ ઓફીસર અલ્પેશભાઈ પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા રોડ પર રખડતા પશુઓ પકડવા માટે એજન્સી કામ કરી રહી છે. જે સવારથી સાંજે સુધી કામગીરી કરે છે ત્યારે છેલ્લા ચાર મહિનામાં 170 જેટલા પશુઓ રખડતા પકડવામાં આવ્યા છે. તો આજે પણ 10 જેટલા પશુઓ પકડવામાં આવ્યા છે. તમામ પકડેલા પશુઓ ઇડર પાંજરા પોળમાં મોકલી આપવામાં આવ્યા છે.