
પ્રાંતિજમાં નગરપાલિકા વિસ્તારના વાઘેલાવાસમાં ગટર ઉભરાતા રોગચાળોનો ભય
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં નાનીભાગોળના દરજીવાસની પાછળ આવેલા વાધેલાવાસમાં ત્રણ મહિના પહેલાં જ બનાવેલી ગટર લાઇન છેલ્લા એક મહિનાથી રહીશોના ધર આગળ ઉભરાય છે અને આ વિસ્તારના રહીશો દ્વારા પાલિકામાં તથા આ વિસ્તારના કોર્પોરેટરોને વારંવાર રજૂઆતો બાદ પણ સમસ્યા દુર નહીં થતાં રહીશોમાં પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે.
આ અંગે રહીશ સરદાર ઉદાભાઈ વાઘેલા સહીત મહિલોએ જણાવ્યું હતું કે, આ ગટર લાઇન ત્રણ મહિના અગાઉ જ બાનાવવામાં આવી છે અને ગટર લાઇનના કામ યોગ્ય થયું નથી. તો છેલ્લા એક મહિનાથી ગટર ઉભરાતા ગટરનું ગદુ પાણી રહીશોની ચોકડીઓમાં તથા રસોઈ કરવાના સ્થળ નજીક આવી જાય છે. ગટરનું પાણી ખુલ્લી જગ્યામાં પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધતા સ્થાનીકોમાં મચ્છરજન્ય રોગચાળો વકરે તેવી પરિસ્થિતિ પેદા થઇ છે.
એક મહિનાથી ગટર ઉભરાતા પ્રાંતિજ પાલિકામાં રહીશો દ્વારા રજુઆત કરવા છતાંય કોઇ કોર્પોરેટર કે તંત્રના અધિકારીએ અહીં જોવા માટે નથી આવ્યા. હાલમાં ગટર ઉભરાતા ગંદુ પાણી બાજુમાં ખુલ્લી જગ્યામાં ભરાતા અહીંના રહીશોને સવારના સમયે ભારે દુર્ગંધ મારતા રહીશો પરેશાન થયા છે. ઉભરતી ગટરની દુર્ગંધ અને ગંદા પાણીના આ ગરીબ વિસ્તારના રહીશો સામે પાલિકા સમસ્યાનો ઉકેલ ક્યારે લાવશે તેની રાહ રહીશો જોઈ રહ્યા છે.
આ અંગે ચીફ ઓફિસર પ્રાર્થના રાઠોડે જણાવ્યું હતું કે, મને ગઈકાલે રજૂઆત મળી છે, જે માટે ગટર વિભાગને સુચના કરવામાં આવી છે અને આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવા જણાવ્યું છે. આજે કામગીરી હાથ ધરવામાં આવશે અને સમસ્યા દુર કરવામાં આવશે.