
પ્રાંતિજના વડવાસા પાટીયા પાસેથી સર્વિસ રોડ નજીકથી યુવાનની લાશ મળી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વડવાસા પાટીયા પાસે નેશનલ હાઇવે રોડના સર્વિસ રોડ પાસે આજે સવારે એક યુવાનની લાશ પડી હોવાની જાણ પ્રાંતિજ પોલીસને થઈ હતી. જેને લઈને પોલીસે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. લાશ જોઈ આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા. બીજી તરફ પોલીસ તપાસમાં યુવાનની લાશની ઓળખ અમદાવાદના દસક્રોઇ તાલુકાના ચાંદીયલના યુવાનની થઈ હતી.આ અંગની વિગત એવી છે કે, સવારે વડવાસા પાસેના સર્વિસ રોડ સાઇડે અમદાવાદના દસક્રોઇ તાલુકાના ચાંદીયલના યુવાનની મૃત હાલતમાં લાશ મળી આવતા ઘટનાસ્થળે આજુબાજુમાંથી લોકોના ટોળેટોળા દોડી આવ્યા હતા. આ અંગેની જાણ પ્રાંતિજ પોલીસને કરતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ હતી. ત્યાર બાદ યુવાનના મૃતદેહને પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપ્યો હતો.
પોલીસ તપાસ હાથ ધરતા મૃત યુવાન અમદાવાદ દસક્રોઇ તાલુકાના ચાંદીયલનો વિજય વિક્રમસિંહ ખાંટ હોવાનુ જાણવા મળ્યું હતું. યુવાન શુકવારની મોડી રાતથી ગુમ થયો હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને સ્થાનિક પોલીસ અને LCB ટીમે આજુબાજુમાં CCTV ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસમાં મૃતક યુવાન શુક્રવારે રાત્રિના સમયે વિજય વિક્રમસિંહ ખાંટ તેના બે મિત્રો સાથે ઓટો રીક્ષામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને પોલીસે તપાસ તેજ કરી છે. ત્યારે કેટલાક શકમંદોની પૂછપરછ હાથ ધરી છે.