
હિંમતનગરથી ખેરોજનો 81 કિમીનો માર્ગ નવ દિવસ વન-વે રહેશે
અંબાજીમાં ભાદરવી મેળાનો પ્રારંભ થઇ ગયો છે આજે બીજો દિવસ છે. ત્યારે રાજ્યભરમાંથી અંબાજી પગપાળા પદયાત્રીઓ અને સંઘો અને માતાજીના રથ જાય છે. ત્યારે રસ્તા પર વાહનોના કારણે અકસ્માત ના સર્જાય તેને લઈને જિલ્લા કલેક્ટરે નવ દિવસ માટે હિંમતનગરથી ખેરોજ સુધીના 81 કિમીના સ્ટેટ હાઈવે પર વન-વે કરવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે. બીજી તરફ પોલીસ દ્વારા અંબાજી પગપાળા જતા પદયાત્રીઓને રેડીયમ પટ્ટી લગાવવામાં આવી છે.આ અંગેની વિગત એવી છે કે, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં 22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી મોટા મેળા ભરાય છે. આ મેળામાં અંબાજી માતાજીના દર્શનાથે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાંથી શ્રધાળુઓ પગપાળા સંઘો, મંડળો તેમજ માતાજીનો રથ લઈને પગપાળા તેમજ વાહનો દ્વારા હિંમતનગર-અંબાજી રોડ ઉપરથી મોટી સંખ્યામાં પસાર થાય છે.
જે દરમિયાન પસાર થતા વાહનોના કારણે પદયાત્રીઓના અકસ્માત ન થાય તેમજ ટ્રાફિક નિયમન અને પદયાત્રીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે હિંમતનગરના મહેતાપુરાથી ખેરોજ પુલ 81 કિમી સુધી હિંમતનગરથી જતા રોડની ડાબી બાજુએ તમામ નાના મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. જમણી તરફ જ માત્ર વાહનો અવર જવર કરશે જેને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા 22 સપ્ટેમ્બર 2023થી 29 સપ્ટેમ્બર 2023 સુધી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.હિંમતનગર, દરામલી, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ હાઈવે પર સ્થાનિક પોલીસ ઉપરાંત સીટી, જિલ્લા અને હાઈવે ટ્રાફિક પોલીસ દ્વારા દિવસે વન વે માર્ગનો અમલ અને રાત્રે અંબાજી પગપાળા જતા પદયાત્રીઓના થેલા ઉપરાંત સરસામાન રથને રેડિયમની પટ્ટીઓ લગાવવામાં આવી રહી છે. જેને લઈને રાત્રિ દરમિયાન પગપાળા જતા પદયાત્રીઓ અંધારામાં રેડીયમ પટ્ટીને લઈને વાહનચાલકોને ખબર પડે જેથી અક્સમાતનો ભય ઓછો રહે છે. ઉપરાંત ટ્રાફિક પોલીસ 24 કલાક બે પાળીમાં હિંમતનગરથી ખેરોજ સુધી પેટ્રોલિંગ કરી રહી છે.હિંમતનગરથી ઇડર સુધીના રોડ સાઈડમાં વિવિધ સમાજ, સંગઠન અને ભક્તો દ્વારા અંબાજી પગપાળા પદયાત્રીઓ અને સંઘો માટેના વિવિધ સગવડવાળા વિસામા ઉભા કરવામાં આવ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે શનિવારે રાત્રે વિવિધ વિસામાની મુલાકાત લીધી હતી અને કામગીરી નિહાળી હતી. ઉપરાંત આયોજકો સાથે વાતચીત કરી હતી.