સાબરડેરીમાં 59મી વાર્ષીક સાધારણ સભા યોજાઈ
સાબરકાંઠા જિલ્લામાં લાખો દૂધ ઉત્પાદકો અને પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીની 59મી વાર્ષીક સાધારણ સભા ડેરીના ચેરમેનના અધ્યક્ષ સ્થાને આજરોજ યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં દૂધ મંડળીના ચેરમેનો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. સાધારણ સભા દરમિયાન સાબરડેરીના વાર્ષીક અહેવાલ સહિત ઠરાવો રજૂ કરાયા હતા. ઉપરાંત સાબર નમકીન અને ઓર્ગોનિક ઉત્પાદનોનુ લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.
વાર્ષીક સાધારણ સભામાં સાબરડેરીના ચેરમેન શામળભાઇ પટેલે અહેવાલ રજૂ કરીને જણાવ્યું હતું કે, 2022-23નું વર્ષ સાબરડેરી માટે ઐતિહાસીક અને ગૌરવપૂર્ણ રહ્યું છે. રોજ વિક્રમજનક દૈનિક 40.97 લાખ લીટર દૂધ સંપાદન કર્યુ છે. દૂધ સંઘનું સરેરાજ દૂધ સંપાદન દૈનિક 33.53 લાખ રહ્યું હતું. સંઘના દૂધ સંપાદનમાં થયેલા વધારાએ દૂધ સહકારી પ્રવૃત્તિમાં સભાસદોએ મુકેલો વિશ્વાસ દર્શાવે છે. પશુપાલન થકી નિયમીત આવક સભાસદોના સામાજીક અને આર્થીક જીવનમાં ચોક્કસ સુધારા પ્રદાન કરશે તેવો તેમણે વિશ્વાસ વ્યકત કરી જણાવ્યું હતું કે સંઘે વર્ષ દરમિયાન સભાસદોને રૂપિયા 5639 કરોડ દૂધની ખરીદી પેટે ચૂકવ્યા છે.