
ખેડબ્રહ્મામાં આજે અંબિકા માતાજીનું મંદિર દર્શન 8 કલાક મંદિર બંધ રહેશે
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આવેલ અંબિકા માતાજીનું મંદિર ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવ્યું છે. ચૈત્ર માસની નવરાત્રીના પ્રારંભ પૂર્વે આજે આઠ કલાક પ્રક્ષાલન વિધિ ચાલશે. જેની શરૂઆત થઈ ગઈ છે અને સાંજે 5 વાગ્યા સુધી વિધિ ચાલશે. ત્યારબાદ ભક્તો દર્શન કરી શકશે.
ચૈત્ર નવરાત્રીનો 22માર્ચના રોજ પ્રારંભ થશે ત્યારે માતાજીના મંદિરમાં ઘટ્ટ સ્થાપન કરવામાં આવશે. જેને લઈને આજે સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી મંદિરમાં પ્રક્ષાલન વિધિ કરવામાં આવી રહી છે. જેથી ભક્તો મંદિરમાં માતાજીના દર્શન નહીં કરી શકે. સાંજે 5 વાગ્યા બાદ મંદિરમાં માતાજીના દ્વાર ખુલશે ત્યારબાદ ભક્તો રાત્રે 9 વાગ્યા સુધી દર્શન કરી શકશે.
આ અંગે અંબિકા માતાજીના મંદિરના પ્રમુખ જયદીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે ચૈત્ર નવરાત્રીને લઈને પ્રક્ષાલન વિધિ 9 વાગે શરુ થઈ છે. જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. જેને લઈને મંદિર આજે આઠ કલાક બંધ રહેશે તો ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે જેને લઈને સમયમાં ફેરફાર પણ કરવામાં આવશે. તે અંગે જાણકારી ફેરફાર કરવામાં આવશે ત્યારે આપવામાં આવશે.
અંબિકા માતાજી મંદિરના મેનેજર ઘનશ્યામસિંહ રહેવરે જણાવ્યું હતું કે, હાલમાં મંદિરમાં ભક્તો દર્શન સવારે 7 વાગ્યે આરતી થયા બાદ 12 વાગ્યા સુધી કરી શકે છે. ત્યારપછી 12થી 3 વાગ્યા સુધી માતાજીના મંદિરના દ્વાર બંધ રહે છે. બપોરે 3 વાગ્યા બાદ મંદિર ખુલે છે અને રાત્રે 9 વાગે બંધ થાય છે.