તલોદ પોલીસે ગણતરીના દિવસોમાં બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
તલોદ તાલુકાના સલાટપુર ગામમાં એક માસ અગાઉ ઘર આંગણેથી બે બાઇકોની ચોરી અંગે નોંધાયેલી ફરિયાદના આધારે તલોદ પોલીસે તપાસ દરમિયાન મોટર સાયકલની ચોરી કરતા પાંચ શખ્સોને ચોરીની ચાર મોટર સાયકલ સાથે ઝડપી લીધા હતા.
આ અંગેની વિગત એવી છે કે તલોદ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના એએસઆઇ જયપાલસિંહ તથા પો.કો. અશોક ચૌધરી, મહિપાલસિંહ વગેરે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પો.કો રાજેશકુમારને બાતમી મળી હતી કે હરસોલ ચોકડી તરફ બે ઇસમો નંબર પ્લેટ વગરનું પેશન પ્રો બાઈક લઇને આવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે હરસોલ ચોકડી ખાતે નાકાબંધી કરી હતી.
તે દરમિયાન બાતમીવાળા બે બાઇક હરસોલ ચોકડી પાસેથી પસાર થતા રોકી પુછપરછ કરતા નામ ઠામ પુછતા હર્ષિલકુમાર દલપતસિંહ ચૌહાણ (રહે.હરખના મુવાડા, તા.દહેગામ) અને ઇન્દ્રવદન ઉર્ફે ભયલો (ઉ.વ.26 , રહે.પાલુન્દ્વા, તા.દહેગામ) હોવાનું જણાવ્યું હતુ. બંનેને તલોદ પોલીસ સ્ટેશન ખાતે લાવી બાઈક પોકેટક્રોપ મોબાઇલ સોફટવેરથી ચેક કરતા એક માસ અગાઉ સલાટપુર ખાતેથી ચોરી કરી હોવાની વિગત મળી હતી.
જે અંગે તલોદ પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી પુછપરછ કરતાં તેઓએ એક માસ અગાઉ સલાટપુર ગામમાંથી બે બાઇકની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. તેમજ બાઇક ચોરીના આ ગુનામાં અન્ય ત્રણ શખ્સો પણ સંકળાયેલા હોવાનું જણાવ્યું હતુ. જેના આધારે પોલીસે બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલા કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.18, રહે.પનાપુર, તા તલોદ), પરેશસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, દશરથસિંહ બાલુસિંહ ઝાલા બંને (રહે.બડોદરા, તા.તલોદ)ની અટક કરી વધુ બે ચોરીની બાઇકો મેળવી રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી.