
જમીનમાંથી અચાનક ધુમાડો નીકળવાનો શરૂ થયો ને 18 કલાક બાદ પણ યથાવત
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામમાં ધુળેટીના દિવસે સાંજે અચાનક નાનપુર-આમોદ્રા રોડ પર સ્મશાન નજીક 25 ફૂટના અંતરે બે અલગ અલગ સ્થળે જમીનમાંથી ધુમાડા નીકળવાનું શરુ થયું હતું. જે ધુમાડા હાલમાં સતત 18 કલાકથી નીકળી રહ્યા છે. તો આ સ્થળ પર મહિલા પસાર થઇ હતી જેના પગ અંદર ઉતરી ગયા હતા અને ઢીચણ સુધી દાજી જતા સારવાર અર્થે ખસેડાયા હતા. તો પ્રાંતિજ ફાયર વિભાગે ઘટનાસ્થળે આવી પાણીનો મારો મોડી સાંજ સુધી ચલાવ્યો, પરંતુ ધુમાડો નીકળવાનો યથાવત છે.
નનાનપુર ગામમાં નનાનપુરથી આમોદ્રા તરફ જવાના રોડ નજીક સ્મશાન પાસેની જગ્યામાં ધુળેટીના સાંજના 4.30 વાગ્યાના સમયે સવિતાબેન ચેનવા જેમના ઘર નજીક વાડામાં જતા હતા. તે સમયે જમીનમાં તેમના પગ ઢીંચણ સુધી ઉતરી ગયા હતા. જેને લઈને બૂમાબૂમ કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવી તેમને બહાર કાઢ્યા હતા, પરંતુ તેઓ ઢીંચણ સુધી દાજી ગયા હતા અને તાત્કાલિક 108ને જાણ કરી સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.
બીજી તરફ આ વાતની ગામમાં જાણ થતા ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. 25 ફૂટના અંતરે બે અલગ-અલગ સ્થળે 50થી 100 ફૂટના ઘેરાવામાં જમીનમાંથી ધૂળ ઉડતી હતી અને ધુમાડા નીકળતા હતા. તો ગ્રામજનોએ આ સ્થળ પર આવ્યા બાદ લાકડા નાખ્યા તો સળગતા હતા અને પાણી નાખ્યું તો ખાડા પડતા હતા અને ધુમાડા યથાવત રહેતા હતા. જેથી ગ્રામજનો દ્વારા પ્રાંતિજ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયર વિભાગ ઘટનાસ્થળે આવી પાણીનો મારો કર્યો હતો. ત્યારે ધૂળ ઉડી હતી જે હાથ પર પડતા રુંવાટી બળી ગઈ હતી અને માથામાં વાળાને પણ નુકશાન થયું હતું.
મોડી સાંજ બાદ ફાયર વિભાગ પરત ફર્યું હતું, પરંતુ ધુમાડો નીકળવાનું યથાવત હતું. ગ્રામજનો દ્વારા રાત્રે અને સવારે પાણીના ટેન્કર આ જગ્યા પર ખાલી કરવામાં આવ્યા, પરંતુ 18 કલાકથી ધુમાડો હજી પણ યથાવત છે. આ અંગે પંચાયતના તલાટી જીગર પટેલે જણાવ્યું હતું કે, ખાલી જગ્યા પર નવ વર્ષ પહેલા ફેકટરીઓનો વેસ્ટ નાખી પુરણ કર્યું હોવાનું મને જણાવ્યું હતું. ધુમાડા નીકળવાનું યથાવત છે જેને લઈને પ્રાંતિજ ફાયર વિભાગને બોલાવ્યું છે. ફરીથી ત્યારબાદ તેમની સુચના મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ગ્રામજનોની માંગ છે કે, રહેણાંક વિસ્તાર નજીકમાં જ છે જો નાના નાના બાળકો કે પશુ આ જગ્યાએ જાય અને પગ પડી જાયને નીચે ઉતરી જાય તો જાનમાલનું પુરૂ જોખમ રહેલું છે. જેથી આ કેમીકલ યુક્ત કરેલું પુરણ હટાવી લેવા માગ કરી છે.