
હિંમતનગરના ભાલેશ્વર અને પરબડાના અંતિમધામમાથી તસ્કરો સગડી ચોરી ગયા
હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારના એક જાગૃત નાગરિકે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી છે કે, ભોલેશ્વર વિસ્તારમાંથી પસાર થતી હાથમતી નદીના પટમાં છેલ્લા ઘણા વર્ષોથી મંદિરની બાજુમાં અંતિમધામ આવેલું છે. જેમાં વર્ષ 2018માં જિલ્લા વન વિભાગ દ્વારા લાકડાની બચત થાય તે માટે સગડીની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારે થોડાક દિવસ અગાઉ જાગૃત નાગરિકે સ્મશાનમાં તપાસ કરતા સગડી જણાઈ ન હતી. જેથી તે ચોરી થઈ ગઈ હોવાની જાણ થઈ હતી.
બીજી તરફ હિંમતનગરના પરબડામાં હાથમતી નદી કિનારે આવેલા વણકર સમાજના અંતિમધામમાંથી સગડી ચોરી થઇ હોવાથી વન વિભાગ પાસે નવી સગડીની માગ કરવામાં આવી હતી. આ ઉપરાંત દરબારવાસ માટે પણ અંતિમધામમાં સગડીની માગણી કરાઈ હતી. તેવું પરબડાના સરપંચ જાહીદ મોમીને જણાવ્યું હતું.