
હિંમતનગરમાં તસ્કરો ભગવાનની ચાંદીની મૂર્તિ, 20 છત્રોની ચોરી કરી ફરાર
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ગામની મધ્યમાં આદિનાથ જૈન દેરાસર આવેલું છે. જે દેરાસરમાં ગુરુવારે રાત્રિના સમયમાં તસ્કરોએ મંદિરના પાછળના ભાગેથી પ્રવેશ કરી લોખંડના દરવાજાનું તાળું તોડી જૈન મંદિરના પરિસરમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ દેરાસરમાં રહેલી ભગવાનની નાની-મોટી ચાંદીની 6 મૂર્તિઓ રૂ. 90 હજારની, ચાંદીના નાણા-મોટા છત્ર 17 નંગ, ચાંદીનો એક કળશ, ચાંદીના બે નંગ યંત્ર મળી કુલ 12 કિ.લો. 12 ગ્રામ ચાંદી રૂ.7 લાખ 20 હજાર તેમજ રોકડ રૂપિયા 2 હજાર મળી રૂપિયા 8.12 લાખની પૂજાપાઠની સામગ્રીના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
25 નવેમ્બરની સવારે સાડા ચાર વાગ્યે મંદિરના પૂજારીને ચોરીની જાણ થતાં તેમણે તાત્કાલિક પ્રમુખને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, મંદિરમાં ચોરી થઇ છે. જેને લઈને મંદિરના પ્રમુખ, મંત્રી અને સભ્ય તાત્કાલિક મંદિરમાં દોડી આવ્યા હતા. જ્યાં સફાઈ કર્મી અને પુજારીને મળ્યા હતા અને મંદિરના પાછળના ભાગનો દરવાજો તૂટેલો હતો અને ભંડારાની પેટી પણ તૂટેલી હતી. મંદિરના અંદરથી પાશ્વનાથ ભગવાનની ત્રણ પંચધાતુની મૂર્તિ, ચંદ્રપ્રભુ ભગવાનની એક મૂર્તિ, ચોવીસી તીથંકર ભગવાનની પંચધાતુની મૂર્તિ એક, ભગવાનની ઉપર નાના ચાંદીના 17 છત્ર અને મોટા 3 છત્ર, ચાંદીનો પાટલો, ચાંદીનો કળશ, ચાંદીના યંત્ર વગેરે સામગ્રીની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ચૂક્યાં હતાં.
મંદિર આસપાસ તપાસ કરતાં કઈ મળી ન આવતાં ચોરી અંગે વિજયનગર પોલીસ સ્ટેશનમાં મંદિરના પ્રમુખ હર્ષદકુમાર દિનેશચંદ્ર શાહે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે લઈને તપાસ હાથ ધરી છે. ચોરીની આ ઘટના બાદ જનતા દ્વારા પોલીસની રાત્રિ દરમિયાન પેટ્રોલિંગની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા. આ બનાવ અંગે તપાસ કરવા આવેલા એલસીબી પી.આઈ. એ.જે. રાઠોડે જણાવ્યું હતું કે, ચોરીની આ ઘટનામાં ચોરોને ઝડપથી પકડી લેવામાં આવશે. ચોરોનું પગેરું મેળવવા પોલીસે એફએસએલ અને ડોગ સ્કવોડ સહિતની મદદ પણ લીધી હતી.
ચોરીની ઘટનામાં ચોરો દેરાસર પાછળ આવેલી સા.કા.બેંકની દીવાલ પર લગાવેલા સી.સી.ટી.વી. કેમેરાથી બચવા માટે બેંકના કેમેરા ફેરવી નાખ્યા હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ તેઓને દેરાસરમાં લાગેલા સીસીટીવીનો ખ્યાલ ન રહેતા ત્રણેય શખ્સો દેરાસરના સી.સી.ટી.વી.માં નજરે પડ્યા હતા. જેમાં પણ તેમણે એક કેમેરાના વાયરો ખેંચી લીધા હોવાનું જાણવા મળ્યું હતું.