
સાબરકાંઠા જિલ્લાના 6 તાલુકામાં દોઢ-દોઢ ઇંચ વરસાદ નોંધાયો
સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો છે. જેમાં આઠમાંથી છ તાલુકામાં દોઢ-દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. તો બાકીના તાલુકામાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદને લઈને બે જળાશયોમાં પાણીની આવક શરૂ થઇ છે. રવિવારે સવારથી જિલ્લામાં સર્વત્ર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાદરવા માસના પ્રારંભે જ છેલ્લા 24 કલાક સર્વત્ર 22 મીમીથી 39 સુધી વરસાદ નોંધાયો છે. તો ખેડબ્રહ્મા, વિજયનગર, વડાલી, ઇડર,પોશીના અને તલોદમાં દોઢ-દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. તો હિંમતનગર અને પ્રાંતિજમાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો હતો. સર્વત્ર વરસાદ વરસવાને લઈને રોડ પર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો લાંબા સમય બાદ વરસવાને લઈને ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી હતી. ઉપરવાસમાં વરસાદ વરસવાને લઈને સાબરકાંઠા જિલ્લાના હાથમતી અને હરણાવ જળાશયમાં પાણીની આવક શરૂ થઇ છે.