
પ્રાંતિજ તાલુકામાં અડધો ઇંચથી વધુ વરસાદ નોંધાયો
ભારે વરસાદની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં આઠમાંથી ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં પ્રાંતિજ તાલુકામાં અડધો ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠમાંથી ત્રણ તાલુકામાં 3 મીમીથી 17 મીમી વરસાદ નોંધાયો હતો. તો હિંમતનગર અને તલોદમાં વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું. દિવસ દરમિયાન પ્રાંતિજ તાલુકામાં અડધો ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેને લઈને રોડ પર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બાકીના પાંચ તાલુકામાં આકાશ વાદળછાયું રહ્યું હતું. બીજી તરફ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે શનિવારે સવારે પણ આકાશ વાદળોથી ઘેરાયેલું હતું અને પવન પણ ફુંકાવવાનો શરુ થયો હતો. જિલ્લાના જળાશયોમાં વરસાદ બંધ હોવાને લઈને પાણીની આવક પણ બંધ છે.
જિલ્લાના હાથમતી, ગુહાઈ, ખેડવા જળાશયમાં પાણી ઓછુ છે. તો જવાનપુરા ગોરઠીયા બેરેજમાં દરવાજા બંધ કર્યા છે, પરંતુ વરસાદ ના હોવાને લઈને માત્ર 5 ટકા પાણી ભરાયું છે. જિલ્લામાં માત્ર હરણાવ જળાશયમાં જ 75 ટકા પાણી ભરાયું છે. બાકીના જળાશયો ખાલીખમ છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં હિંમતનગરમાં 3 મીમી, તલોદમાં 3 મીમી અને પ્રાંતિજમાં 17 મીમી વરસાદ નોંધાયો છે.