
સાબરકાંઠાના ગામોમાં અલગ-અલગ ઝોન પ્રમાણે પાણી અપાશે
હિંમતનગર સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર ડી.કે. પટેલે જણાવ્યું હતું કે, હિંમતનગરના હાથમતી જળાશયમાંથી પાંચ પાણી આપવાના આયોજન સામે અ-ઝોનમાં ત્રણ પાણી પૂર્ણ કરી દેવાયા છે. તો 25 જાન્યુઆરીથી ચોથું પાણી શરુ કરવામાં આવશે. તો અ-ઝોનમાં સિંચાઈના પાણીથી હિંમતનગર તાલુકાના 25 ગામના 1500 હેક્ટરમાં લાભ થાય છે. તો બ અને ક-ઝોનમાં બે પાણી પુરા થઇ ગયા છે. ત્રીજું પાણી 20 જાન્યુઆરીથી શરુ થઈ ગયું છે, જે 15 દિવસ ચાલશે. તો બ અને ક-ઝોનમાં પ્રાંતિજ, ગાંધીનગર અને દહેગામ તાલુકાના 40 ગામોમાં 3000 હેક્ટરમાં સિંચાઈનો લાભ થાય છે.
ધરોઈ ડાબા કાંઠા કેનાલમાં ત્રણ પાણી પુરા કરી દેવામાં આવ્યા છે. ચોથું પાણી 27 જાન્યુઆરીએ આપવાનું શરુ કરવામાં આવશે. તો આ પાણીથી હિંમતનગરના 55 ગામોમાં 3500 હેક્ટરમાં સિંચાઈનો લાભ થાય છે.
આ અંગે ગુહાઈ નહેર પેટા વિભાગ નં.5ના અધિક મદદનીશ ઈજનેર જતીન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગુહાઈ જળાશયમાંથી બે પાણી પૂર્ણ કરી દેવાયા છે. હાલમાં ત્રીજું પાણી ચાલી રહ્યું છે. 23 જાન્યુઆરીએ ત્રીજું પાણી પૂરું થશે, તો 1 ફેબ્રુઆરી ચોથું પાણી શરુ કરવામાં આવશે. હિંમતનગર તાલુકાના 32 ગામોમાં 3500 હેક્ટરમાં સિંચાઈનો લાભ મળશે.