
સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોટાસણ પાટીયા નજીક વિદેશી દારૂ ભરેલી કાર કબ્જે લીધી, બુટલેગર ફરાર
સાબરકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીવાડ નજીક વાહન ચેકીંગ કરી રહી હતી. તે દરમિયાન વિજયનગર તરફથી દારૂ ભરીને આવતી એક સફેદ કલરની સ્વીફટ કારને રોકવાનો પ્રયત્ન કરવા છતાં પણ કારનો ચાલક કાર લઇને નાસી ગયો હતો.
જોકે પોલીસે તેનો પીછો કરતા ચોટાસણ પાટીયા નજીક કોઠણ ગામની સીમમાં દારૂ ભરેલી કાર મુકીને કારનો ચાલક ખેતરમાં નાસી ગયો હતો. પોલીસે રૂપિયા 96,120ની કિંમતનો દારૂ સહિત કુલ રૂપિયા 3,96,120નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે જિલ્લા LCB પીઆઇ એ.જી. રાઠોડની સુચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.જે. ચાવડા તથા ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન ચોરીવાડ નજીક વાહનોનું ચેકીંગ કરવામાં આવતુ હતુ. જે દરમિયાન વિજયનગર તરફથી પુરઝડપે આવી રહેલી એક સફેદ કલરની સ્વીફટ ગાડી નંબર જીજે.01 આર.એકસ.2918ને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પરંતુ કારનો ચાલક ઇડર તરફ ભાગવા જતો હતો. જોકે પોલીસને શંકા જતા આ કારનો પીછો કર્યો હતો. જોકે કારનો ચાલકે ચોટાસણ પાટીયા થઇ કોઠણ ગામની સીમમાં સ્મશાન પાસે કારને મુકી ખુલ્લા ખેતરોમાં નાસી ગયો હતો. તપાસ કરવામાં આવતા કારમાં વિદેશી દારૂની પેટી નંગ 17 તથા બિયર સહિત કુલ રૂપિયા 96,120નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર સહિત 3,96,120નો મુદ્દામાલ જપ્ત કરી વડાલી પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.